આણા
ચારે બાજુ પ્રીત કેરા ગાય છે લોકો ગાણા,
પ્રકૃતિ પણ મારે ટોણા પિયુ કરાવો આણા….
શિયાળાની શરદ રાતમાં અંગઅંગ ઠુંઠવાય,
બાજુઓની હુંફ કાજે, મન તડપતું જાય,
લાંબી રજની,આંખો રાતી,યાદોમાં ખોવાણા,
પ્રકૃતિ પણ મારે ટોણા પિયુ કરાવો આણા….
ઉનાળાની ઊની બપોરે તૃષ્ણા અંગે રેલાય,
ખુશ્બુ મારીજ મને દઝાડે કેમ કરી રહેવાય!
આંબા ડાળે,ટહુકી કોયલ,યાદોમાં ખોવાણા,
પ્રકૃતિ પણ મારે ટોણા પિયુ કરાવો આણા….
ઝરમર વરસતી વાદળી સંગ હૈયે અગન ફેલાય,
બની તરબોળ પ્રેમ માણવા મન મારું લલચાય!
છબછબ કરતાં,તન ભીંજાતા,યાદોમાં ખોવાણા,
પ્રકૃતિ પણ મારે ટોણા પિયુ કરાવો આણા….
– મૌસમી મકવાણા ‘સખી’
——————————————
મૈત્રી
હોય તેવા દેખાવાની, લાગે તેવુ દર્શાવવાની,
થાય મહેસુસ તે બોલવાની, કહેવું હોય તે કહેવાની,
કરવું હોય તે કરવાની, માથે ગગન ઉઠાવવાની,
ભીની લાગણીએ ભીંજાવાની, વગર બોલે સમજવાની,
પહેરો વાતો કરવાની, વાત-વાતમાં હસવાની,
હસતા-હસતા રડવાની,ન કોઇ કારણ આપવાની,
છુટ જ્યાં આમ જીવવાની, મૈત્રી ત્યાં મહેકવાની…..
-મૌસમી મકવાણા ‘સખી’