હોઠે ચડેલા આ શબ્દો વાળી ગયો – યોગેન્દુ જોષી

હોઠે ચડેલા આ શબ્દો વાળી ગયો,
તોફાન ભાતરના પછી ખાળી ગયો.

બાજી હવે જે રાહ લે, મંજૂર છે;
પ્યાદા વડે હું હાર તો ટાળી ગયો.

એની પરિક્ષાઓ મને ગમતી હતી,
પણ કેમ જાણે હું જ કંટાળી ગયો.

નાચી નજર ના રાખ તું મારી તરફ,
કોનો હતો શું વાંક એ ભાળી ગયો.

આ ભેદ આંસુનો કહું કોને ખુદા,
કે પ્રેમમાં હું જાત ઓગાળી ગયો.

છે યોગ એવા કે સુરા ઓછી પડે,
તો જામ પણ આંસુ ભરી ગાળી ગયો.

ચાડી કરી ગ્યો કાફિયો મારી છતાં,
આખી ગઝલમાં છંદ હું પાળી ગયો.

રાખી હતી મેં આંખ ખુલ્લી મોત પર,
હા એટલે સાચા સગા ચાળી ગયો.

– યોગેન્દુ જોષી 01/04/2011
Blog : http://www.yogendu.blogspot.com