–રક્ષિત અરવિંદરાય દવે
કેમ કહું કે એનામાં કૈક કચાશ છે…..?
જે મને તો સાચવે જ છે …
સાથે સાથે અમારા પરિવારનું પણ જતન કરે છે ……….
બાધા આખડી રાખી માંગેલા અને
પેટે પાટા બાંધીને ઉછેરેલા પોતાના જ
સંતાનોની ઉપેક્ષાથી
જેનું હૈયું બળી જાય છે છતાંયે
“મ્હારો દીકરો” “મ્હારી દીકરી”
એમ કહેતાં કહેતાં સદાયે એનું હૈયું
મમતાથી ઉભરાઈ જાય છે……….
ગમતું પોતાનું અણગમતું કરી
ન ગમતાને પણ ગમાડે છે……….
સહુના જાગ્યાં પહેલા જ એ જાગી જાય છે
પાણી…નાસ્તો..કપડા…રસોઈ..સફાઈ..
બજાર..સાંજની રસોઈ…જેવા રોજીંદા કામોમાં વ્યસ્ત
રહીને અને જરાયે થાક્યા વગર
અને પોતાનું જરા પણ વિચાર્યા વગર
કેવળ પરિવારની પાછળ જ સમય વ્યતીત કરે છે
અને છેલ્લે
બધાં ઊંઘી જાય પછી
આવતીકાલનો વિચાર કરતી કરતી ઊંઘી જાય છે……….
નાની હોય કે મોટી
એવી તકરારની બાબતમાં ક્યારેક
કશો પણ વાંક ન હોય પોતાનો
અને સાંભળવું પડે ત્યારે પણ
મારા ગુસ્સાને જે હમેશા ગળી જાય છે
અને
સામો ઉત્તર આપવાને બદલે
કેવળ દડ દડ આંસુ વહાવીને જ
હમેશા પોતાનો પ્રતિકાર આપે છે……….
કેવળ આંખોના મનોભાવો
અને ઈશારાની પરીભાષા ઉપરથી જ
મ્હારા મનની વ્યથા–મૂંઝવણ..અને પરિસ્થિતિ
સમજીને જરાયે અકળાયા વગર
મ્હારી કચાશો જાણતી હોવા છતાં પણ
જે
સંજોગોનો સામનો કરવા કટીબધ્ધ રહે છે……….
ભલે મારા ચહેરા ઉપર વ્યક્ત થતા ના હોય
પરંતુ મ્હારું હ્રદય સદૈવ
જેના અમુલ્ય સાથ-સહકાર
ત્યાગ અને સહનશીલતા માટે આભારી છે
એવી મ્હારી પત્ની માટે
હું કેવી રીતે કહી શકું કે
એનામાં હજી પણ કૈક કચાશ છે..?
રક્ષિત અરવિંદરાય દવે
તા.૨૭.૧૨.૨૦૧૩