મઢી કેસૂડે કેસરિયાળી ક્યારી
ખીલી છે મંજરી
વાગે છે બંસરી
ઘેલુડી ગોપી ને ઘેલો છૈયો
ફાગણનો વાયરો જ સૈયો
રંગમાં રમે આ ઋતુ રઢિયાળી
કુદરતનો વૈભવ
હૈયામાં શૈશવ
મસ્તીના ઉમંગમાં જાત ઝબોળી
આજ આવી છે રંગીલી હોળી
વાગ્યા આ ઢોલ ને ઝૂમતા પાદર
ગુલાલી ગીત
મનડાના મીત
વસંતના વાયરે વેરઝેર છોડી
આજ આવી છે રંગીલી હોળી
ફૂટતી મધુવાણી તીલક તાણી
હૈયે હરિયાળી
ભરી પીચકારી
કયા તે રંગમાં રંગાશો ગોરી
આજ આવી છે રંગીલી હોળી
રમેશ પટેલ ‘આકાશદીપ’