ખુલ્લો પડકાર
સલામ એ શહીદોને જેમણે દેશની આઝાદી માટે પોતાનું સર્વસ્વ અર્પણ કર્યું,
કેવા આ આપણા નેતાઓ જેમણે અંગત સ્વાર્થ સાચવવા આતંકીઓને દેશનું તર્પણ કર્યું;
સલામ એ આઝાદીના નેતાઓને જેમણે ગાંઠના પૈસા દેશને અર્પણ કર્યા,
ધિક્કાર આ નેતાઓને પ્રજાના પરસેવાના પૈસાથી સ્વ ખિસ્સાઓ ભર્યા;
સલામ એ મહારાજ-વિનોબાને જમીનદારોની જમીન મફતમાં વહેંચી;
જુઓ આ કૌભાંડી નેતાઓ પ્રજાની જમીન ખનીજો કરોડોમાં વેચી;
સલામ એ પદ્મનાભ મંદિરના સાંપ્રત રાજાઓને પ્રભુનો ખજાનો સાચવવાની રીત અલગારી,
આ આપણા નેતાઓ પ્રજાનો પૈસો સ્વીસ બેંકમાં મૂકી સાત પેઢીઓ તારી.
વંદન એ સંતોને લોકોને ખવડાવવા ખુલ્લા મુક્યા સ્વ ભંડાર,
આ નેતાઓ તેલ અનાજના સટ્ટેપેટે હાથ ફેરવે ઠંડોગાર.
સલામ એ ગાંધી સરદારને જેમના પુતળા વિદેશમાં પણ પામે સ્થાન,
જુઓ આ આપણા નેતાઓ પોતીકા પુતળા પોતે મૂકી કરે છે ગુલતાન.
સલામ અન્ના હજારેજીને લોકપાલ બીલ માટે જાન જોખમાવે છે,
અને આ શિયાળ શા નેતાઓ કમાન્ડો વચ્ચે શરમાવે છે.
ભણાવો પાઠ આ નેતાઓને ફૂંકો રણ સિંગુ નરબંકાઓ,
બનો નચિકેતા, બનો સિંઘમ બાળો માયાવી શ્રીલન્કાઓ.
– રાજેન્દ્ર ડી. શાહ