પરિપ્રશ્ન (રાજેન્દ્ર શુક્લ- Rajendra Shukla)

રાજેન્દ્ર શુકલ

         

પરિપ્રશ્ન

        

કીડી સમી ક્ષણોની આ આવજાવ શું છે?

મારું સ્વરૂપ શું છે, મારો સ્વભાવ શું છે?

             

ઋતુઓના રંગ શું છે, ફૂલોની ગંધ શું છે?

લગની, લગાવ, લહેરો – આ હાવભાવ શું છે?

    

લયને ખબર નથી કૈં, આકાર પણ અવાચક,

શું છે રમત પવનની,  ડાળીનો દાવ શું છે?

              

પર્વતને ઊંચકું પણ પાંપણ ન ઊંચકાતી,

આ ઘેન જેવું શું છે, આ કારી ઘાવ શું છે?

             

પાણીની વચ્ચે પ્રજળે, કજળે કળીકળીમાં,

એનો ઈલાજ શું છે, આનો બચાવ શું છે?

               

ચિંતા નથી કશી પણ નમણા નજૂમી, કહી દે,

હમણાં હથેળી માંહે આ ધૂપછાંવ શું છે?

          

ફંગોળી જોઉં શબ્દો ને મૌનને ફગાવું –

નીરખી શકું જો શું છે હોવું, અભાવ શું છે?

                

હર શ્વાસ જ્યાં જઈને ઉચ્છવાસને મળે છે,

સ્થળ જેવુંયે નથી તો ઝળહળ પડાવ શું છે?  

         

રાજેન્દ્ર શુકલ           

જન્મ: ઓક્ટોબર 12 10/1942

ગઝલ

રાજેન્દ્ર શુક્લ  

સામાય ધસી જઇયે, આધાંય ખસી જઇયે,
એકાદ મળે ક્ષણ તો ક્ષણમાંય વસી જઇયે.

આમેય વિતાવવાની છે રાત સરોવરમાં,
તો ચાલ કમલદલમાં આ રાત ફસી જઇયે.

એકેક કસોટીમાં છે પાર ઉતરવાનું,
હર શ્વાસ કસોટી છે, એનેય કસી જઇયે.

આ ફીણ તરંગોનાં છે શીખ સમંદરની,
રેતાળ કિનારા પર હેતાળ હસી જઇયે.

ઉત્કંઠ હવામાં છે સંગાથ સુગંઘોનો,
હોવુંય હવે ઉત્સવ, આકંઠ શ્વસી જઇયે.

– રાજેન્દ્ર શુકલ