આશ તમારી રે – રાજે

રાજે

     

આશ તમારી રે

        

મોહનજી તમો મોરલા, હું વારી રે; કાંઈ અમો ઢળકતી ઢેલ,

આશ તમારી રે.

જ્યાં જ્યાં ટહુકા તમે કરો, હું વારી રે; ત્યાં અમો માંડીએ કાન,

આશ તમારી રે.

મોરપીંછ અમો માવજી, હું વારી રે; વહાલા વન વન વેર્યાં કાંથ,

આશ તમારી રે.

પૂઠે પલાયાં આવીએ, હું વારી રે; તમો નાઠા ન ફરો નાથ,

આશ તમારી રે.

મોરલીએ મનડાં હર્યાં, હું વારી રે; વિસાર્યો ઘર-વહેવાર,

આશ તમારી રે.

સંગ સદા લગી રાખજો, હું વારી રે; રાજેના રસિયા નાથ,

આશ તમારી રે.

         

રાજે