છેલ્લું દર્શન – રામનારાયણ પાઠક ‘શેષ’

રામનારાયણ પાઠક ‘શેષ’

       

છેલ્લું દર્શન

છંદ: પૃથ્વી

        

ધમાલ ન કરો, – જરાય નહિ નેન ભીનાં થશો, –

ઘડી બ ઘડી જે મળી – નયનવારિ થંભો જરા, –

કૃતાર્થ થઈ લો,  ફરી નહિ મળે જ  સૌંદર્ય આ,

સદા જગત  જે  વડે  હતું હસન્તું  માંગલ્ય કો!

         

ધમાલ ન કરો, ધરો બધી સમૃધ્ધિ માંગલ્યની,

ધરો  અગરુ  દીપ  ચંદન  ગુલાલ  ને કુંકુમ;

ધરો  કુસુમ  શ્રીફલો,  ન ફરી  જીવને આ થવો

સુયોગ  અણમૂલ  સુંદર  સુહાગી માંગલ્યનો!

          

ધમાલ ન કરો, ન લો સ્મરણ કાજ ચિહ્ને કશું,

રહ્યું વિકસતું જ અન્ત  સુધી જેહ સૌંદર્ય, તે

અખંડ જ  ભલે રહ્યું,  હ્રદયસ્થાન  તેનું  હવે

ન સંસ્મરણ વા ન કો  સ્વજન  એ કદી પૂરશે.

      

મળ્યાં તુજ સમીપે અગ્નિ! તુજ પાસ જુદાં થિંયેં,

કહે,  અધિક  ભવ્ય મંગલ  નથી શું  એ સુંદરી?

       

રામનારાયણ વિ. પાઠક ‘શેષ’

જન્મ: એપ્રિલ 8, 1887

અવસાન: ઑગષ્ટ 21, 1955