ખંડેરની હવેલી – રામપ્રસાદ શુક્લ (Ramprasad Shukla)

ખંડેરની હવેલી
(કાવ્ય પ્રકાર: સૉનેટ; છંદ: મંદાક્રાંતા)

જે જે સ્વપ્નો વિફળ બનતાં ક્રન્દનો મેં કીધેલ,
દુ:ખે   દર્દે   શિર  પટકતાં   ઝેર   જાણે  પીધેલ,
એ સૌ સાચાં સુહ્રદ બની આજે મને ખૂબ  પ્રેરે,
સંસ્કારોનાં  શુચિતર  સ્મિતોથી  બધે  હર્ષ  વેરે.

જે આશાઓ અવશ બની તેનાં હતાં ધ્યેય ખોટાં,
વિભ્રાન્તિના વમળમહીં માન્યાં હતાં સર્વ મોટાં,
નાણી જોતાં નિકષ પર મિથ્યાત્વ એનું નિહાળ્યું,
સાચાં ધ્યેયો પ્રતિ જિગર ને ચિત્તનું જોમ વાળ્યું.

જૂઠા ખ્યાલો,  હ્રદયમનના  છોભીલા  સર્વ  ભાવો
છોડ્યા,  છૂટ્યો દિલ ધડકતે સ્નેહનો અંધ લ્હાવો;
કિંતુ  સાચી  ઉપકૃતિ  લહું  નષ્ટ  સૌ  સ્વપ્ન  કેરી
એ   ખંડેરો   ઉપર   દિલની  છે   હવેલી   ચણાઈ.

આદર્શોમાં  અજબ  લસતી  ભગ્ન આશા સુનેરી,
સૌ  ભૂલોનાં  શબ ઉપર છે  સંસ્કૃતિ  શુભ્ર  છાઈ.

રામપ્રસાદ શુક્લ
જીવનકાળ: જૂન 22, 1907- એપ્રિલ 14, 1996
કાવ્યસંગ્રહ: બિન્દુ