તમે રે તિલક રાજા રામના – રાવજી પટેલ (Ravji Patel)

તમે રે તિલક રાજા રામના

તમે રે તિલક રાજા રામના
અમે વગડાનાં ચંદન કાષ્ઠ રે;
તમારી મશે ના અમે સોહિયાં-
કેવાં કેવાં દખ સાજણ તમે રે સહ્યાં?
કહો ને સાજણ દખ કેવાં સહ્યાં!

તમે રે ઊંચેરા ઘરના ટોડલા!
અમે લજવાતી પાછલી રવેશ રે;
તમારી મશે ના અમે સોહિયાં-
કેવાં કેવાં દખ સાજણ તમે રે સહ્યાં?
કહો ને સાજણ દખ કેવાં સહ્યાં?

તમે રે અખશર થઈને ઊકલ્યા!
અમે પડતલ મૂંઝારા ઝીણી છીપના;
તમારી મશે ના અમે સોહિયાં-
કહો ને કહો ને દખ કેવાં પડ્યાં?

મશ- કાજળ
રવેશ- ઘરનો કઠોડો

રાવજી પટેલ
જીવનકાળ: નવેમ્બર 15, 1939- ઑગષ્ટ 10, 1968