તારી કેડ્યે કુંડળાયેલાં
મીઠાં મરોડ
ભલાં પુછી બેઠાં કે મને
શાનાં છે કોડ
એનો દીધો જો સાચો
જવાબ તો તું લજ્જાઇ
બોલી ઉઠીશ કે ‘હવે છોડ!’
હરીયાળી વાતોનાં ખેતર વાવ્યાં છે
મારી આંખોએ પાંપણ પછાડે
જ્યાં સૂરજ જરી ન રંજાડે
એવાં ધુમ્મસમાં બોળેલાં ખેતર લણતી
તું તારી આંખોના એક-એક ઉલ્લાળે
તારી આંખોના અણિયાળાં
દાતરડાં મારીતે
ઉગતી નિંદર્યુંને નહિં ભાળે
તારી સાથેની મારી રાતે વરસતાં
પાણી વિનાના કોઈ મેહ
મારી બાજુમાં રહે સૂતેલી તું
મને હળવા અડક્યાંનો દઈ છેહ
તારા હળવાં અડક્યાંથી ભીનો
આખ્ખોએ દેહ
ઊઠતાં જોઉં તો મારાં રુંવેરુંવે
ફરે તડકાનાં ઝેરીલા સાપ
જાઉં જો દુર તો તુંયે રુઠે
ને વળી રોવે તો થઈ જાયે પાપ
તારા આંસુના વણઝારાં ગાતાં જે ગીત તે
મારી આંખોને લખી આપ
રુચિર વ્યાસ
રુચિર વ્યાસના બ્લોગ પર એમના કેટલાંક કાવ્યો, પ્રસિદ્ધ અપ્રસિદ્ધ અવતરણો અને વિનોદિકાઓ માણવા એમના beutiful blog ની મુલાકાત આ લીન્ક http://ruchirvyas.wordpress.com/પર ક્લિક કરશો.