કવિતા: ઇલાજ
આજ રોજ
શિક્ષકના
પેટમાં
સખત
દુ:ખાવો
ઉપડ્યો
દાક્તરે
તપાસીને કહ્યું.
“પેટમાં
ટ્યુશનની ગાંઠ છે.”
~ વિજય ચલાદરી
¤ પ્રાર્થના ¤
ભૂલો પડ્યો છું આ દુનિયામાં રસ્તો મને બતાવો,
પ્રભુજી, મારે દ્વારે આવો.
વૃક્ષડાળે પંખી બેસે કરતાં આનંદની લ્હાણી,
મુજ હૈયાને શું ડંખ્યું છે વહેતું આંખે પાણી.
આંસુની તમે ભાષા સમજો (૨) દુ:ખથી મને બચાવો
પ્રભુજી, મારે દ્વારે આવો.
આંખો મારી સારું જૂએ, સાંભળે કાન સારું,
મુખમાંથી મીઠી વાણી, જીવન થાય પ્યારું.
સદ્ગુણોને અર્પણ કરો (૨) દૂર્ગુણોને ભગાવો
પ્રભુજી, મારે દ્વારે આવો.
~ વિજય ચલાદરી
ગીત: આ વરસાદ કેમ નથી ગાતો ?
વરસ તારે વરસવું હોય તો
તરસી છે આ ધરતી,
તું આવે તો આવી જશે
નદીયુંમાં પછી ભરતી.
ભડકે બાળી નાખ્યા છે અમને
એવી પડે છે ગરમી,
આવે તો તું હવાને લાવજે
એવું કહે છે મરમી.
પ્હાડ તો વાદળને પૂજે
આવો હવે અમ મળવા,
વિયોગ હવે સહી ન શકીએ
આવોને દિલમાં ભળવા.
વૃક્ષો જાણે તરસ્યાં ઊભાં
વાતો નથી કંઈ કરતાં,
ખૂલ્લા ગગનને જોઈ જોઈને
અગનજ્વાળાએ બળતાં.
પંખી બિચારાં માળામાં પુરાઈ
કરે છે છાની વાતો,
આપણે તો કલબલાટ કરીયે
આ વરસાદ કેમ નથી ગાતો ?
~ વિજય ચલાદરી
ગીત: આવજો
આવજો કહેવાનું બાકી રહી ગયું રે લોલ
જોઈ રહ્યો ‘તો તારું મુખ રે
આવજો કહેવાનું બાકી રહી ગયું રે લોલ
તારુ આપેલ ફૂલ ગમતું રે લોલ
આપી દીધું તને દિલ રે
આવજો કહેવાનું બાકી રહી ગયું રે લોલ
સ્વપ્નાં જોઉં છું અડધી રાતનાં રે લોલ
બેશું છું તારી પાસ રે
આવજો કહેવાનું બાકી રહી ગયું રે લોલ
આપણ બન્ને કંઈ ન બોલ્યાં રે લોલ
આંખોએ કહી દીધી વાત રે
આવજો કહેવાનું બાકી રહી ગયું રે લોલ
વિખુટા પડવાના દન આવિયા રે લોલ
દિલમાં ભરાયું એવું દર્દ રે
આવજો કહેવાનું બાકી રહી ગયું રે લોલ
અમેં પંખીડાં પ્રેમનાં રે લોલ
અહીંથી ઊડીને જાશું દૂર રે
આવજો કહેવાનું બાકી રહી ગયું રે લોલ
~ વિજય ચલાદરી
ગીત: રણની અંદર
મૃગજળ પાછળ દોડ્યા કરતું મનડું થાકી જાતું,
રણની અંદર સમણાં વાવું તનડું પાકી જાતું.
પગલાં જાણે વર્ષો જૂનાં
વિયોગથી ભૂસાતાં,
સૂરજના પ્રકોપમાં આજે
યાદનાં આંસુ રાતાં.
રોજ બિચારી ડમરી કરતી એકલતાની વાતું,
મૃગજળ પાછળ દોડ્યા કરતું મનડું થાકી જાતું.
કૈંક આવીને ગયા અહીંથી
બોલ્યા ન કાંઈ વાણી,
ભટકી ભટકી ભવને ભૂલ્યા
મળ્યું ક્યાંય ન પાણી.
ઉપર આકાશ જોયા કરતું, નેહથી ઊભરાતું,
મૃગજળ પાછળ દોડ્યા કરતું મનડું થાકી જાતું.
~ વિજય ચલાદરી
ગીત: ક્યારે પડશે આ રાત ?
પાંપણ બિચારી પટપટ થાતી પૂછે આંસુને વાત,
ક્યારે પડશે આ રાત ?
છૂટક છૂટક મળતાં આપણ
હવે રહ્યો નીં સંબંધ,
લાગણીના લિસોટા સહ્યા છે
થઈ ગયો પ્રેમ બંધ.
‘હું’ ‘તું’ કરતાં હસતાં આપણ એની પડી ગઈ ભાત
કાગળ ઉપર ચીતરી આપુ
ખોબો ભરી આકાશ,
માગુ ત્યારે મળતું નથી
શાહીખાબોચિયું પાસ.
ભૂલવા ખાતર ભૂલી જાઉં છું વર્ષો જૂનું પ્રભાત,
ક્યારે પડશે આ રાત ?
~ વિજય ચલાદરી
ગીત: તરસ્યું હૈયું
‘તમે’ ‘તમે’ માં વરસો કાઢ્યાં, ‘તું’ કહેવાઈ ગયું આજ,
કેવું લાગે છે, રાજ !?
મૌનને ધોવા બેશું તારા
પાણી ત્યાં સુકાઈ જાય,
જેમ પથ્થરને હૈયામાં રાખું
લાગણી કરમાઈ જાય.
હોઠ ખુલ્યા નહીં, પાંપણ હસ્યાં, સમણાં આપવા કાજ,
કેવું લાગે છે, રાજ !?
જ્વાળા જેવું મન છે મારું
પ્રેમથી પીગળી જાય,
જ્યમ સરિતા ચંચળ મનની
સાગરમાં ભળી જાય.
તારી કલમનું તરસ્યું હૈયું કાગળ બની ગયું આજ,
કેવું લાગે છે, રાજ !?
~ વિજય ચલાદરી
કવિતા: ક્રોસ
વર્ષો વીતી ગયાં
પણ
એક વાતનું
મને
દુ:ખ થાય છે
ભગવાન ઇશુને
ક્રોસ પરથી
નીચે
કોણ ઉતારશે !?
~ વિજય ચલાદરી
@ મુક્તક @
ખૂદમાં ખોવાઈ જવાની મજા કંઈ ઑર છે..!
આંખમાં અંજાઈ જવાની મજા કંઈ ઑર છે.
વર્ગખંડોની એ દુનીયા જરા જોઈ લે’શું પછી,
ભીતરે ભીંજાઈ જવામાં મજા કંઈ ઑર છે.
~ વિજય ચલાદરી
ગીત: માતૃભાષા ગુજરાતી
માતૃભાષા ગુજરાતી અમારી માતૃભાષા ગુજરાતી.
રાસ, ફાગુ ને ગરબીમાં યૌવન હોંશે ખીલ્યું,
પદ, આખ્યાન ને છપ્પામાં જ્ઞાન અમેં તો ઝીલ્યું.
બહુ રમ્યા, બહુ ગમ્યા, આ તો ભાષા ગુજરાતી,
માતૃભાષા ગુજરાતી અમારી માતૃભાષા ગુજરાતી.
ગીત, ગઝલ ને સૉનેટમાં પ્રેમની વાતો કીધી,
નવલિકા ને નવલકથામાં લક્ષ્યમાં આંગળી ચીંધી.
બહુ ખીલ્યા, બહુ ઝીલ્યા, આ તો ભાષા ગુજરાતી,
માતૃભાષા ગુજરાતી અમારી માતૃભાષા ગુજરાતી.
ખંડકાવ્ય કેરા શબ્દોમાં પ્રેમ અમીરસ પીધો,
નાનકડા હાઈકુમાં કેવો જીવનમર્મ વણી લીધો !
બહુ બોલ્યા, બહુ તોલ્યા, આ તો ભાષા ગુજરાતી,
માતૃભાષા ગુજરાતી અમારી માતૃભાષા ગુજરાતી.
નિબંધ કેરા શબ્દોમાં થયાં નિત નવાં નવાં દર્શન,
લઘુકથા કેરા ભાવોમાં અડગ રહ્યું ‘તું મન.
બહુ જોયું, બહુ જાણ્યું, આ તો ભાષા ગુજરાતી,
માતૃભાષા ગુજરાતી અમારી માતૃભાષા ગુજરાતી.
અવનવા લોકો આવ્યા જોડણી બગાડવાને,
મોટી મોટી ડીગ્રીઓ સાથે ઢોલકી વગાડવાને.
ન જામ્યા, ન પામ્યા, આ તો ભાષા ગુજરાતી,
માતૃભાષા ગુજરાતી અમારી માતૃભાષા ગુજરાતી.
~ વિજય ચલાદરી
હાઇકુ ~વિજય ચલાદરી
₹ ૧ ₹
ભીની માટીમાં
મહેકતાં આપણે
હાઇકુ જેમ
₹ ૨ ₹
આંખોમાં આંજ્યાં
ઉજાગરાનાં ઝાડ
ટહૂક્યાં પંખી
~ વિજય ચલાદરી
કવિતા: દિલથી ચાહિશ ~ વિજય ચલાદરી
જ્યારે તારી આંખોમાં
આંખો પરોવીને જોયું
ત્યારે
મને સમજાયું કે
હું તારા પ્રેમમાં છું
પણ
તેં
કાગળમાં ચીતરી આપ્યું
વર્ષોથી જોઈ રહેલા
મારા સ્વપ્નને.
મને
હવે મારા પર વિશ્વાસ છે
હું ફૂલને
ફૂલની જેમ
દિલથી ચાહીશ.
~ વિજય ચલાદરી
સૉનેટ: મિત્રને પત્ર ~ વિજય ચલાદરી
(છંદ: મનહર)
રણછોડ! પત્ર તારો મુઝને પ્રભાતે મળ્યો,
શબ્દની સુવાસ સાથે ઊર્મિઓથી ભરેલો,
રામ રામ દિવાળીના લઈને અવતરેલો,
ચારેકોર ઉજાસને ભરી ભરીને લાવ્યો.
તને ક્યાંથી ખબર કે દસ દિ’ હું ઘેર ન્હોતો,
(એમ.પી.) પંચમઢીમાં ક્ષણો ગાળી ફરીને,
પ્હાડ, ઝરણાં ને ઝાડી ફર્યા ‘તા નાહી કુદીને,
દિન દસ આનંદથી ગીત ગાઈ માણતો.
તુઝને હું ભૂલી જાઉં એવું ક્યારેય ન બને,
રણછોડ! મુને તારી રોજ યાદ આવતી,
તને લખેલ પત્રમાં એ જ્ઞાનામૃત લાવતી,
ક્યારેક એવુંય બને પત્ર મળે ન તને.
દિવાળી, ઉતરાયણના અને હોળી ધૂળેટીના,
રામ રામ વિજયના તારે સ્વીકારવાના.
~ વિજય ચલાદરી
ગીત: લખવા બેશું કાગળ ~વિજય ચલાદરી
લખવા બેશું કાગળ ત્યારે ખડિયો હોય,
પ્રભુ ! મારાં કેવાં નસીબ સાંધવા ન હોય સોય.
રાધાએ તો કૃષ્ણ ચાહ્યો, મીરાંએ ચાહ્યો શ્યામ,
શબરીનાં તો બોર એઠાં ખઇ ગ્યો મારો રામ.
વીતતા દહાડે વિચારવા બેશું મનડું મારું ખાલી,
સરનામું તારું મળે નહીં પગ થાક્યા ચાલી ચાલી.
કાગળ મારો આગળ થઈને આવશે તારી પાસ,
મળવું હોય તો જલદી આવજે હશે છેલ્લોશ્વાસ.
~ વિજય ચલાદરી
ગીત: મોસમ
મન ભરીને મોસમ ખીલી આવી છે રેણુ રમવા,
એકબીજામાં ભળવા.
ભર ચોમાસે વરસે મારો તારા ઉપર પ્રેમ,
તું ભીંજાણી વર્ષાથી યે હું ભીંજાણો કે કેમ ?
ભીના ભીના રસ્તા ઉપર ચાલો આપણ ફરવા,
એકબીજામાં ભળવા.
અંગે ઉમંગનો દરિયો ઊછળે મોજાં એનાં મલકતાં,
સ્પર્શેલી આ લાગણીઓનાં રુવે રુવાં ફરફરતાં.
અંબરથી વરસેલી ધારા આવી અવનિને મળવા.
એકબીજામાં ભળવા.
~ વિજય ચલાદરી
ગીત: જગવ્યા કરે
આભેથી કંઇક એવું ગરજ્યા કરે,
મારામાં કંઇક કંઇક જગવ્યા કરે.
ઈચ્છાઓ સામટી છૂટી પડે
પાંખો ફેલાવી ગગને ચડે
ચોમાસુ હોય એમ વરસી પડે
માટીમાં કંઇક મને ભીંજવ્યા કરે,
મારામાં કંઇક કંઇક જગવ્યા કરે.
પક્ષીની આંખોમાં માળો દેખાય
માળામાં ઉછળતાં મોજાં સમાય
હૈયામાં રોજ રોજ ભરતી વરતાય
લીલાછમ્મ ઝાડ આજ ટહુક્યા કરે,
મારામાં કંઇક કંઇક જગવ્યા કરે.
~ વિજય ચલાદરી
સૉનેટ: ગીતાથી ઊર્મિલા સુધી ~ વિજય ચલાદરી
(છંદ: મનહર)
કૂંપળ ફૂટ્યા પ્રમનાં રુપ સમી ગીતાએથી!
એ જ મ્હારા દલડાની સુંદર રેખા હતી,
સ્વપ્નોનો હાર બનેલી મહેકતી હિના હતી,
રંગાયો લાલીના રંગે ગૌરી કેરા ઓષ્ઠેથી!
નીકિતાના મુખતેજે પ્રેમી બની આકર્ષાયો!
રોજ લખતાં વાંચતાં દિવાસ્વપ્નને ઝીલ્યાં,
ભારીના નેણ ઇશારે સ્નેહનાં કુસુમો ખીલ્યાં,
એની જ બેવફાઇથી અશ્રુધારે હું ન્હાયો!
વસંત રસીલા બની યૌવન છૂટ્ટું મૂકીને!
સબીનાના ઝાંઝરમાં સ્વર ટહુક્યો જરી,
ચાંદની જેવી તિબાલી નૃત્યુ રમી મન ભરી,
ઊર્મિલાને તો બોલાવી તેનું દિલ જીતીને!
એકેયને જોયા વિના રહી શકતો નહોતો!
એકરાર હું પ્રેમનો કરી શક્યો નહોતો!
~ વિજય ચલાદરી
ગીત: વાવાઝોડું
~ વિજય ચલાદરી
આવ્યું
વાવાઝોડું આવ્યું
કર્યો મહાવતને પરાસ્ત
આવ્યું
વાવાઝોડું આવ્યું
આંગળીના ટેરવામાં ઉછરેલાં ઝાડ
ઉખડ્યાં સમૂળગાંનાં મૂળથી,
ક્યાંનો કકળાટ ધરતીના ઉરમાં
ભોંકાતું દર્દ ઝેરીલી શૂળથી.
મેં એક આંસુ વહાવ્યું
આવ્યું
વાવાઝોડું આવ્યું.
સંબંધ ખચકાટ કેરો પુછો ના
વરસ્યા કરે અંગ અંગમાં,
કલમથી કાગળમાં ચીતરાતું જાય
પીંછા વિનાનું ધામ એક સંગમાં.
માળામાં ગીત ફસાવ્યું
આવ્યું
વાવાઝોડું આવ્યું
કાળાં ડિબાંગ વાદળાં ઝૂક્યાં ને ચૂક્યાં
છેદાયાં ક્ષણ ક્ષણમાં,
અમેં જોતા રહ્યા, તરસા રહ્યા
પ્યાસ હતી કણ કણમાં.
મૌન એવું ઠસાવ્યું
આવ્યું
વાવાઝોડું આવ્યું.
~ વિજય ચલાદરી
ગીત: શ્યામ તારા વિના
કાગળ નથી કલમ નથી નથી શાહીનો ખડિયો,
શ્યામ તારા વિના સુકાય શબદનો દરિયો.
દન આખો વીતે
કદમ્બડાળ નિહાળી,
એકલતા ડંખી ને
ગોપીઓ રિશાણી.
માખણ ચોર તું કેવો યમુનાનો એવો રદિયો.
શ્યામ તારા વિના સુકાય શબદનો દરિયો.
ડેલી ખોલીને જોઉં તો
રાત કેમ શરમાતી ?
પડછાયાની પ્રીત્યું
અંગે અંગ ભોંકાતી.
રોજ તારી યાદમાં ઉજાગરો મેં ભરિયો,
શ્યામ તારા વિના સુકાય શબદનો દરિયો.
~ વિજય ચલાદરી
ગીત: માડી હું તો….
માડી હું તો ગઈ ‘તી છાસ લેવા,
એ ઊભો ‘તો વાડીએ મુને કંઇક ક’વા.
આંખ્યુંના ઇશારે મને આપ્યાં લીલાંછમ્મ રીંગણાં,
પગલાં પાણીમાં પડ્યાં ભીંજાયાં અમેં બે જણાં.
હૈયું લલચાયું વેલ જોવા…..
ફૂલોના સ્મિતમાં ભ્રમરની પ્રીત હતી,
પતંગિયાની પાંખોમાં પ્રીત્યુંની રીત હતી.
ગમ્યા’તા કોકિલના ટહૂકા….
ફેણ ચઢાવી નાગ ફુફાડે વાડીની વાડમાં,
ધડકતે હૈયે હું તો સંતાણી એની આડમાં.
સ્પર્શે જાગ્યા કોડ કેવા….
~ વિજય ચલાદરી
ગીત: વેડછીનો વડલો
વેડછીનો વડલો મારી આંખોને ગમતો,
આંખોને ગમતો મારા હૈયામાં રમતો.
દૂર દૂરથી ઊડીને
પંખી અહી આવતાં,
સેવાની વાતોને
ટહુકે સંભળાવતાં.
ડાળ ડાળ પાન પાન યાદ અપાવતો,
વેડછીનો વડલો મારી આંખોને ગમતો.
શિક્ષણ ને ખેતી વચ્ચે
અનુબંધ સાધ્યો,
રાનીપરજ પર
બહુ પ્રેમ લાધ્યો.
શીતળતા આપીને બાળકો ઝુલાવતો,
વેડછીનો વડલો મારી આંખોને ગમતો.
~ વિજય ચલાદરી
¤ ગીત ¤
કા’ન એવી તેં વાત શે કીધી
કે માખણમટકીની જેમ પીધી
ઊભી બજાર હવે એકલી ફરું છું,
મોરપીંચ્છ, વાંસળી આંખે ધરું છું.
અધરના વેણ કરી દીધી
કા’ન એવી તેં વાત શે કીધી
કદમ્બની ડાળે કોઈ ઝૂલવા ન આવે,
યમુનાનાં નીર હવે કોઈ ન વહાવે.
પવન જાય અંગ વીંધી
કા’ન એવી તેં વાત શે કીધી
~ વિજય ચલાદરી
ગીત: મીરાંનું નામ
મીરાંનું નામ આખા ગામમાં ગવાય,
શબ્દ ને સૂર એના શ્યામમાં સમાય.
શ્યામ કેરી વાંસળીના સૂરે વહી યમુના,
કદમ્બ કેરી ડાળે ઝૂલે હીંચકા જગ-જૂના.
શ્યામરંગી ચૂંદડી ઓઢાય
મીરાંનું નામ આખા ગામમાં ગવાય.
રાણે આચરેલ એવું શ્યામ દુ:ખ દીઠું,
ઝેરને કર્યું ‘તું એણે અમૃત જેવું મીઠું.
વાત એ કેમ રે ભુલાય
મીરાંનું નામ આખા ગામમાં ગવાય.
હરતાં ફરતાં જાય દ્વારિકામાં મીરાં,
હરિને મળવા એ થાય છે અધીરાં.
એ પછી શ્યામમાં સમાય
મીરાંનું નામ આખા ગામમાં ગવાય.
~ વિજય ચલાદરી
ગીત: વસંતરસ
આ ઋતુ ઋતુ તો ફૂલ ફૂલ પર નામ લખીને ચાલી !
વસંતરસના પ્રણયકાળની ભરી છે મેં પ્યાલી !
આંબાડાળે કોકિલ ટહૂકે
લચકે એનો મૉર,
પુષ્પડાળે ભ્રમર ડોલે
લાગે ચિતનો ચોર.
નયને નિહાળી કોમળ કળીને થઈ ગયો હું ન્યાલી !
આ ઋતુ ઋતુ તો ફૂલ ફૂલ પર નામ લખીને ચાલી !
જળ હળ થાતા જળની ઉપર
કમળ ખીલ્યું છે તાજું,
મંદ મંદ વાયુની સંગે
ગીત મજાનું ગાતું.
પંખીના કલરવથી જાણે કોઈ ડાળ હોય ન ખાલી !
આ ઋતુ ઋતુ તો ફૂલ ફૂલ પર નામ લખીને ચાલી !
~ વિજય ચલાદરી
ગીત: સોળ વરસની થયા પછી
વગડે વાય વાયરો પછી પાંદડે પાંદડું મલકે
સોળ વરસની થયા પછી યૌવન એનું છલકે.
માથે મૂકી મટકી ને
પાણીડાં ભરવા જાય,
પાણીડાંનું તો કે’વું શું ?
ઊભે રસ્તે છલકાય.
જોઈ રહ્યું ‘તું દૂર ઊભુ કોઈ પાંપણના એક પલકે,
સોળ વરસની થયા પછી યૌવન એનું છલકે.
નદીની જેમ વહેતું મૂકે
ફૂલડા જેવું મન,
એકબીજાને મળતાં જોઇ સળગે આખુ તન.
ઊંડે ઊંડે ભરતી આવે ઓટ પાછી ત્યાં વળકે,
સોળ વરસની થયા પછી યૌવન એનું છલકે.
આંગળી કેરા વેઢા ગણતાં
વર્ષો વીતી જાય,
રાત હોય કે દિવસ
એનું સ્મિત આછુ વેરાય.
પૂનમરાતે ઝૂલ્ફો એની તારોડિયાં જેમ ચળકે,
સોળ વરસની થયા પછી યૌવન એનું છલકે.
~ વિજય ચલાદરી
ગીત: પ્રેમનું પાન
હૈયું ધડકે, અશ્રુ ટપકે, વેદનામાં ભૂલી ભાન,
હૈયું બન્યું છે વેરાન !
કૈંક અંધારે બેસી
વાતો અધૂરી મેલી,
કરવી હતી પૂરી વાતો
ખૂલી મૂકી ડેલી.
સુનકાર સહી સહીને ધીરે ધીરે વહેતું ગાન,
હૈયું બન્યું છે વેરાન !
બાળપણની પ્રીત આપણી
પડછાયાની રીત,
હીંચકા ખાતાં ડાળે ઝૂલતાં
પાને પાને સ્મિત.
વીતેલી વેળા ખોતરતાં થઇ જતી સભાન,
હૈયું બન્યું છે વેરાન !
કળી કળી ખીલી ઊઠી
પાલવ હવે શરમાય,
નમી ચૂકી પુષ્પો થકી
યૌવન ન સહેવાય.
રાત-દિન સતાવે યાદો કરવા પ્રેમનું પાન,
હૈયું બન્યું છે વેરાન !
~ વિજય ચલાદરી
ગીત: દિલમાં દીપક જગાવો
દિલમાં દીપક જગાવો
તમે સૌ દિલમાં દીપક જગાવો
હૈયાના પ્રત્યેક લયને લાગણી સહ વહાવો
દિલનાં સૌ દરવાજા ખોલી પ્રેમથી આત્મા નવરાવો
તમે સૌ દિલમાં દીપક જગાવો
ભૂલને સુધારી ભવને સુધારો જીવન મધુર બનાવો
મધુર વાણી, સુંદર વર્તન સૌને આનંદ અપાવો
તમે સૌ દિલમાં દીપક જગાવો
ચંચળ મનને સ્થિર કરવા યોગને અપનાવો
પુસ્તકોના વાચ્યમનનથી જીવન સાર્થક બનાવો
તમે સૌ દિલમાં દીપક જગાવો
અંધકારથી મુક્ત બનીને જ્ઞાન પ્રકાશ ફેલાવો
ગુરુના ચરણોમાં બેસી ગીત મજાનાં ગાવો
તમે સૌ દિલમાં દીપક જગાવો
~ વિજય ચલાદરી
ગીત: કા’ન તારી વાંસળી
કા’ન તારી વાંસળીને જોરથી વગાડ મા,
મારા હૈયામાં ભડકેલી આગને જગાડ મા.
ગોપીઓની સંગે તું રાસની રમતું રમે,
વાસળીના સૂરથી ગોપીઓને તું ગમે.
મારી સુતેલી આંખોનાં પોપચાં ઉઘાડ મા,
કા’ન તારી વાંસળીને જોરથી વગાડ મા.
આંખોનાં આંસુ મારું સખીપણું સાચવે,
જમનાનાં જળ અહીં કરશે શું હવે ?
મારા મનમાં જાગેલા ઓરતા જગાડ મા,
કા’ન તારી વાંસળીને જોરથી વગાડ મા.
પરદેશથી આવશે મારા પીયુંની પ્રેમચિઠ્ઠી,
હું તો મારા પીયું સંગ ગોઠડી કરીશ મીઠ્ઠી.
મારી રાત્યુંની રાત્યુંને આમ તું બગાડ મા,
કા’ન તારી વાંસળીને જોરથી વગાડ મા.
~ વિજય ચલાદરી
વિજય ચલાદરીએ કવિતાનો ‘ક’ ઘૂંટવો ચાલુ કર્યો ત્યારની રચના….
¤ તું ¤
મારા મૌનમાં પડઘાય છે તું, મારા પ્રેમમાં પરોવાય છે તું…
અસ્તિત્વ મારું તૂટતું નથી આજ, મારા દિલમાં વહી જાય છે તું…
પીતો તારા રુપને હું આજ, મારા સ્વપ્નમાં સમાય છે તું…
દર્પણ જોવા તડપી મરું હું, મારી તસ્વીરમાં દેખાય છે તું…
તને શોધતો ફરું હું બહાર, મારી આંખોમાં છુપાય છે તું…
ફાગણ ફાલ્યો ફૂલડે ફૂલડે આજ, એની સુગંધમાં છલકાય છે તું…
કવિતા કરવા બેસી પડું હું ને મારા શબ્દમાં ટંકાય છે તું…
¤ તું જ છે ¤
પુષ્પોથી સુંદર તું જ છે, યાદોમાં બસ તું જ છે…
રાતોની આ મહેફિલ કેવી ? સ્વપ્ન મઢેલી તું જ છે…
હસતો ચહેરો મીઠી વાતો, દિલમાં ખૂંપેલી તું જ છે…
હસ્તરેખા લંબાતી ગઈ, જિંદગી મારી તું જ છે…
~ વિજય ચલાદરી
ગીત: સપનામાં એકવાર મીરાં આવી
સપનામાં એકવાર મીરાં આવી,
કૃષ્ણની કાળી કાળી કામળી લાવી.
કામળીમાં વાંસળીના વહેતા’તા સૂર,
હૈયામાં સ્નેહભીના ઉમટ્યા’તાં પૂર.
રાત આખી મેં પ્રેમથી પધરાવી,
સપનામાં એકવાર મીરાં આવી.
કામળીમાં ખળખળ સંભળાતાં નીર,
હલેસાં હોડીનાં યમુનાને તીર.
ફૂલોથી મેં આખી નાવને સજાવી,
સપનામાં એકવાર મીરાં આવી.
કામળીમાં મોરપીંચ્છ મલકાતું કેવું ?
ગોપીઓનાં ચિતને હરી લે એવું.
માખણની મટકીને હોંશે ચિતરાવી,
સપનામાં એકવાર મીરાં આવી.
~ વિજય ચલાદરી
ગીત: સુહાગરાત
ખૂલ્લું હતું બારણું ને ખૂલ્લી આખી રાત,
પચ્ચીસમે વરસે ઘૂંઘટ ખોલ્યો પ્હેલી મુલાકાત.
એની અંદર કોયલ ટહૂકે
મારી અંદર મોર,
યૌવન કેરી ડાળે ડાળે
મીઠપનો કલશોર.
મૌન કેરા શબ્દો ગૂજ્યા જાગી આખી રાત,
પચ્ચીસમે વરસે ઘૂંઘટ ખોલ્યો પ્હેલી મુલાકાત.
હોઠોની વાત હોઠે કીધી
આંખોની વાત આંખે,
આકાશ-પાતાળ એક કરેલું
સ્નેહ ભરેલી પાંખે.
જામ ભરેલી નીરખી લીધી પીધી આખી રાત,
પચ્ચીસમે વરસે ઘૂંઘટ ખોલ્યો પ્હેલી મુલાકાત.
~ વિજય ચલાદરી
ગીત: અક્ષર એના અકબંધ
છાતી સરસી ચોપડી ચાંપી આંખો કરી બંધ,
પાને પાનાં અંદર ખૂલ્યાં અક્ષર એના અકબંધ.
શબ્દે શબ્દે ઝરણાં ફૂટ્યાં
વહેતાં ખળખળ નાદે,
પર્વત પર્વત ખીણ ખીણ
રમતાં કોકિલ સાદે.
વણચાખ્યાં સ્વપ્નાં તૂટ્યાં સાચવી કેવો સંબંધ !
પાને પાનાં અંદર ખૂલ્યાં અક્ષર એના અકબંધ.
ધક ધક ધડકતા હૈયામાં
લાગણીના થર જામ્યા,
યાદો ભરીને મોજાં ઊછળ્યાં
માછલીએ કર થામ્યા.
દરિયો આખો રેતમાં ન્હાતો, કિનારા બન્યા અંધ,
પાને પાનાં અંદર ખૂલ્યાં અક્ષર એના અકબંધ.
~ વિજય ચલાદરી
ગીત: ચલાદરીની ચાલે
શબ્દરસ પીવાને ચાલ્યો ચલાદરીની ચાલે,
લયના હિલોળે અંગ મરડે શબ્દ નવા નવા તાલે.
શબ્દ ગરજતો શબ્દ વરસતો
શબ્દ પડઘા પાડે,
ઊંચા ઊંચા પ્હાડો પરથી
શબ્દ આવતો આડે.
ખળ ખળ વહેતી સરિતા સંગે શબ્દ કેવો મ્હાલે !
શબ્દરસ પીવાને ચાલ્યો ચલાદરીની ચાલે.
શબ્દ સૃષ્ટિ શબ્દ ઇશ્વર
શબ્દ આપણી ગીતા,
ઉપર-નીચે અંદર-બહાર
શબ્દ સ્વયમ્ કવિતા.
કોમળ કોમળ શબ્દ કેવો ખંજન એના ગાલે,
શબ્દરસ પીવાને ચાલ્યો ચલાદરીની ચાલે.
~ વિજય ચલાદરી
ગીત: મીરાંને ગમે મંદિર
મીરાંને ગમે મંદિર મંદિરને ગમે મીરાં,
શ્યામ શ્યામ કરતાં મળવા થ્યાં અધીરાં.
વાંસળીના સૂર હવે
મૌન મહીં આથમતા,
ગોવરધન પ્હાડ હવે
બરફ જેમ પીગળતા.
મોરપીંચ્છ કેવી કે યાદ ધરે મીરાં,
શ્યામ શ્યામ કરતાં મળવા થ્યાં અધીરાં.
વૃંદાવનનાં ઝાડ
થ્યાં પીતાંબર ધારી,
દ્વારિકાની રેતી
મીરાંને લાગે પ્યારી.
મૃગજળ જોઇને સ્વપ્નમાં સરે મીરાં,
શ્યામ શ્યામ કરતાં મળવા થ્યાં અધીરાં.
~ વિજય ચલાદરી
ગીત: સોળ વરસની થયા પછી
વગડે વાય વાયરો પછી પાંદડે પાંદડું મલકે
સોળ વરસની થયા પછી યૌવન એનું છલકે.
માથે મૂકી મટકી ને
પાણીડાં ભરવા જાય,
પાણીડાંનું તો કે’વું શું ?
ઊભે રસ્તે છલકાય.
જોઈ રહ્યું ‘તું દૂર ઊભુ કોઈ પાંપણના એક પલકે,
સોળ વરસની થયા પછી યૌવન એનું છલકે.
નદીની જેમ વહેતું મૂકે
ફૂલડા જેવું મન,
એકબીજાને મળતાં જોઇ સળગે આખુ તન.
ઊંડે ઊંડે ભરતી આવે ઓટ પાછી ત્યાં વળકે,
સોળ વરસની થયા પછી યૌવન એનું છલકે.
આંગળી કેરા વેઢા ગણતાં
વર્ષો વીતી જાય,
રાત હોય કે દિવસ
એનું સ્મિત આછુ વેરાય.
પૂનમરાતે ઝૂલ્ફો એની તારોડિયાં જેમ ચળકે,
સોળ વરસની થયા પછી યૌવન એનું છલકે.
~ વિજય ચલાદરી
ગઝલ: તમારે નામ
તમારે નામ પીધો છે,
ગઝલનો જામ પીધો છે.
હવે મીરાં ન હોય ઘરે,
અધીરો શ્યામ પીધો છે.
નહીં આવે તને મળવા,
અમારે ધામ પીધો છે.
થયા જો એ જ મોટેરા,
સળગતો કામ પીધો છે.
ફિકર ક્યાં કોઇની મારે,
સવારે શામ પીધો છે.
~ વિજય ચલાદરી
ગીત: ખેતરે બેસી
ખેતરે બેસી વાટ જોઈ પણ એ તો આવી નઈ!
હું તો એકલો બેઠો ભઈ!
સવારના પ્હોરમાં સૂરજ ઊગ્યો ને બોલ્યાં પક્ષી ચાર,
શેઢે ચઢીને ગોફણ ફંગોળી પાણો પડ્યો પેલે પાર.
આંખમાં આંજ્યાં મૉલનાં ડૂંડાં દાતરડાને લઈ!
ખેતરે બેસી વાટ જોઈ પણ એ તો આવી નઈ!
બપ્પોરના તો બાર વાગ્યા ને વરસે અગનજાળ,
તળાવનાં તો પાણી સુકાણાં સૂની પડી છે પાળ.
ઢોર બિચારાં તરસે મરે અહીંયાં આવે નઈ!
ખેતરે બેસી વાટ જોઈ પણ એ તો આવી નઈ!
સાંજ પડી ને સૌ લોક હાલ્યા ગીતડાં ગાતા ગામ,
દન આખો સૌ કામ કરે ને સાથે લે પ્રભુનું નામ.
રાત તો મારી વીતતી ગઈ ને એ તો આવી નઈ!
ખેતરે બેસી વાટ જોઈ પણ એ તો આવી નઈ!
~ વિજય ચલાદરી
ગીત: કર્યું હશે શું તમે ક્યૉ ?
એક છોકરીએ છોકરાને રસ્તામાં આવતાં રોક્યો !
યૌવનથી ફાટ ફાટ છોકરીએ છોકરાને કર્યું હશે શું તમે ક્યૉ ?
રસ્તામાં આવતો જોઉં તને ત્યારથી
ભાન ભુલાઈ જાય મારું,
દિવસ-રાત તારો સહવાસ હોય
રટાય રોજ નામ તારું.
મળવા તું આવ ઓલી લીલીછમ્મ બાજરીમાં છોકરીએ છોકરાને ટોક્યો.
યૌવનથી ફાટ ફાટ છોકરીએ છોકરાને કર્યું હશે શું તમે ક્યૉ ?
છોકરો તો ખેતરમાં મળવા ગયો ને
છોકરીને જોઇને ગયો પાસે,
છોકરીએ છોકરાને બથમાં લીધો ને
ચૂમી લીધો એકીશ્વાસે.
સ્પર્શની સુગંધથી છોકરીના હૈયામાં ઊંડે ઊંડે હાશકારો પોક્યો,
યૌવનથી ફાટ ફાટ છોકરીએ છોકરાને કર્યું હશે શું તમે ક્યૉ ?
~ વિજય ચલાદરી
ગીત ~ વિજય ચલાદરી
એક છોકરીએ છોકરાને કીધું,
મારું પતંગ ચગે સાવ સીધું.
છોકરાએ ઢીલ એવી મૂકી
એનો પતંગ ગ્યો ઊંચે ઊંચે,
ફીરકીનું તળીયું દેખાવા લાગ્યું
તોય પતંગ ઉતાર્યું નહીં નીચે.
લીંબુનું પાણી કોણે પીધું ?
એક છોકરીએ છોકરાને કીધું.
એવો જામ્યો ‘તો પેજ
ચારેકોર કીકીયારું થાતી,
‘એ કાપ્યો… એ કાપ્યો…’
ઊંચે જોઇને આંખો રાતી.
તમે બીજું પતંગ કેવું લીધું !
એક છોકરીએ છોકરાને કીધું.
~ વિજય ચલાદરી
¤ બે કવિતા ¤
૧.
જ્યારે
હું ચાલતો ચાલતો
રસ્તા વચ્ચે
અચાનક ઊભો રહી જાઉં છું,
ત્યારે
રસ્તો મને વીંટળાઈ વળે છે.
ક્યારેક
બોલતો બોલતો
બંધ થઈ જઉં છું,
ત્યારે
શબ્દો આશ્ર્ચર્યચિહ્ન સાથે મને વળગી પડે છે.
કિન્તુ,
મારી આંખ મીંચાઈ જશે ત્યારે
અગ્નિ મને ઓળખશે કે કેમ…!?!
૨.
‘હું ક્યાં હતો ?’
એવો પ્રશ્ન મને કરશો નહી.
‘હું કોણ હતો ?’
એવો પ્રશ્ન મને કરશો નહી.
‘હું ક્યાં છું ?’
એવો પ્રશ્ન મને કરશો નહી.
‘હું કોણ છું ?’
એવો પ્રશ્ન ક્યારેય મને કરશો નહી.
કારણ
જગત મને જાણી જશે.
~ વિજય ચલાદરી
ગઝલ: તને સમજાય ના
વાત મારી આમ તો કૈ થાય ના,
હું કહું છું પણ તને સમજાય ના.
વાદળી ચાલી અહીં વરસ્યા વગર,
તોય મારાથી કશું બોલાય ના.
રાતનાં સ્વપ્નો મને બહુ ચીડવે,
ચીસ મારી કોઇને અથડાય ના.
માંગતાં માંગ્યો હતો મારો સમય,
ભૂલ મારી થૈ હવે ચર્ચાય ના.
એકલો રખડ્યા કરું છું ક્યારનો,
એજ થામે હાથ તો કે’વાય ના.
~ વિજય ચલાદરી
ગઝલ: મળતા રહો
પ્રેમથી આવી અને મળતા રહો,
લાગણીના સ્પર્શમાં ભળતા રહો.
હા, તમે મોટા થશો કોને ખબર ?
સૂર્ય માફક સાંજના ઢળતા રહો.
રાહ જોશું આજની છેલ્લી ઘડી,
રાત અંધારી પછી કળતા સહો.
સાથ આપ્યો સાવ ખોટ્ટો એમણે,
રોજ માફક આજ પણ ફળતા રહો.
આ ગઝલ કોણે કરી ? કોના થકી ?
શબ્દ એના સૂરમાં સાંભળતા રહો.
~ વિજય ચલાદરી
¤ એક છો’રીને…
એક છો’રીને આંખ મેં તો મારી,
એ તો હસતી હસતી ત્યાંથી ભાગી.
એના હાથોને મહેંદી ચૂમે
એના અધરને લાલી ચૂમે,
એના કપાળને બીંદી ચૂમે
એના પાંવને પાયલ ચૂમે.
મારી આંખોને એ લાગે પ્યારી,
એક છો’રીને આંખ મેં તો મારી.
એની વાણીમાં ફૂલડાં ઝરે
એની આંખેથી કાજળ ઝરે,
એની ઝૂલ્ફોમાં મોગરો મહેકે
એના સ્મિતેથી યૌવન છલકે.
મારા સપનામાં આવે રાત સારી,
એક છો’રીને આંખ મેં તો મારી.
~ વિજય ચલાદરી
ગઝલ: સરપંચની ચૂંટણીમાં હારેલા ઉમેદવારની ગઝલ
આંખો હતી ખૂલ્લી છતાં ફસાવ્યો છે,
સાથે રહી આજે મને હરાવ્યો છે.
કે’તા હતા સાચ્ચે તને અપાવીશું,
ખાલી મને ખોટ્ટો તમે ઘસાવ્યો છે.
આપો તમે સૌને હવે, દઈ દીધું !
પ્હેરેલ કપડે પણ મને નચાવ્યો છે.
બેસે બધાં સાથે છતાં ખબર કેવી ?
જાગ્યો નહીં તો પાળિયો બનાવ્યો છે.
ગુણ છે તમારામાં જ ક્યાં ! કહી દીધું,
આજે જ નાલાયક મને ઠરાવ્યો છે.
~ વિજય ચલાદરી
ગઝલ: અને મૃત્યુ સ્પર્શી ગયું
બાગમાંથી પુષ્પો ખર્યા અને મૃત્યુ સ્પર્શી ગયું,
વેદનામાં શ્વાસો ભર્યા અને મૃત્યુ સ્પર્શી ગયું.
કૌંચવધની વાતો કરશો નહીં મિત્રો મારા મને,
પારધીએ જીવો હર્યા અને મૃત્યુ સ્પર્શી ગયું.
એ નદીને વરસો વીત્યાં ફરી રહ્યો ‘તો આજ લગ,
પણ હલેસાં કેવાં તર્યા અને મૃત્યુ સ્પર્શી ગયું.
બાંકડાઓ સૂના પડ્યા કહું હું કોને ? ઓ સખી !
આજ તારી યાદે શર્યા અને મૃત્યુ સ્પર્શી ગયું.
આ ગઝલમાંથી શબ્દો ગ્યા અને ગ્યો ધબકારેય પણ,
કાફિયા તો હાંફ્યા કર્યા અને મૃત્યુ સ્પર્શી ગયું.
~ વિજય ચલાદરી
ગઝલ: તું નથી તો
તું નથી તો ફૂલડાં હરખાય છે,
દર્દ મારામાં જ ઊભાં થાય છે.
બાંકડે બેઠાં હતાં જ્યાં આપણે,
તેં કહેલી વાત પણ સમજાય છે.
ભૂલ કીધી ‘તી ઘણીયે મેંય પણ,
આજ ભૂલોનું દર્દ વરતાય છે.
સ્વપ્ન કેવાં ? રાત આખી યાદમાં,
તું નથી તો બારણાં પછડાય છે.
એજ તારી બંધ મૂઠ્ઠી જોઇને,
શબ્દ મારા આજ ઘોળાય છે.
~ વિજય ચલાદરી
ગઝલ: જિંદગી
ક્યાંક તો હરખાય છે આ જિંદગી,
ક્યાંક તો પછડાય છે આ જિંદગી.
ભૂલને ભૂલી ગયો ‘તો ત્યારથી,
ચોતરફ પડઘાય છે આ જિંદગી.
સાત ફેરા પ્રેમમાં ફરતો રહ્યો,
ત્યાં જ તો મ્હેંકાય છે આ જિંદગી,
હો ભલેને જીતની આશા અહીં,
હારમાં વરતાય છે આ જિંદગી.
કેટલી પીડા સહી છે પ્રેમમાં,
તે પછી જીવાય છે આ જિંદગી.
~ વિજય ચલાદરી
ગઝલ
‘કેમ છો?’ એવું કહી શરમાવ મા,
રાત વીતી દર્દમાં તું ગાવ મા.
સ્વપ્નમાં મળ્યાં હતા એ યાદ કર,
દર્દ દીધા તેં હવે તું આવ મા.
હસ્તરેખા તો હવે દેખાય ના,
તું મને આ શબ્દમાં સમજાવ મા.
કૈંક તો પીડા હતી એ પણ સહી,
પ્રેમના નામે મને ભટકાવ મા.
હોય ખોટી વાત તો સમજાવને !
સાવ ખાલી પણ મને બોલાવ મા.
~ વિજય ચલાદરી
બોરનો ઠળીયો
બોરનો ઠળીયો આપીને કયૉ છો: ‘આપ્યું છે બોરડીનું ઝાડ’,
સખા ! મારે માનવો છે પાડ.
છુપાઈ છુપાઈને જોવે છે શું ‘લ્યા
નથી જોયો આંખડીનો ચાળો,
દર્પણમાં જો, અલ્યા કૂવામાં જો
મારામાં ચકલીનો માળો.
તારામાં થનગનતો મોરલો, મેં ખોલ્યું છે હૈયાનું કમાડ,
સખા ! મારે માનવો છે પાડ.
ક્યાંક ખટાશ, ક્યાંક મીઠાશ
ક્યાંક માવઠાનો છાંટો,
ઝબકી ઝબકીને હું જાગીયે જઉં
એવો વાગે છે સપનામાં કાંટો.
એકલતા તારી જીરવી જીરવાય ના, આવે તો લડાવું લાડ,
સખા! મારે માનવો છે પાડ.
~ વિજય ચલાદરી
મારે શું લખવું ?
મારે શું લખવું ?
અને
કોના વિશે લખવું ?
જો
સ્ત્રી વિશે લખું
તો
પુરુષ રિશાઈ જાય
લાંબા વિચાર
પછી
સ્ત્રી-પુરુષના પ્રણય વિશે
કવિતા
કરવાનું શરૂ કર્યું
જે
લગાતાર ચાલું છે…!
~ વિજય ચલાદરી
ગીત: તમે કહો તો…
તમે કહો તો ઉંબર ઉપર બેસી વાતો કરશું,
તમે કહો તો તોરણિયાંના તારલા થઈ ટમટમશું.
યૌવનની વાડીનાં ફૂલડાં કોમળ કોમળ રમતાં,
પંખી તારી મારી અંદર ટહૂકે ટહૂકે ગમતાં.
હથેળીની હૂંફ થઈને અંગ અંગને ચૂંમશું,
તમે કહો તો ઉંબર ઉપર બેસી વાતો કરશું.
ભીની ભીની આંખોમાં ભીનાં ભીનાં સપનાં,
મીઠી મીઠી લાગણીઓથી થઈ ગયાં એ ખપનાં.
આંગણમાં રંગોળી પૂરી પિચકારીથી રંગશું,
તમે કહો તો ઉંબર ઉપર બેસી વાતો કરશું.
~ વિજય ચલાદરી
કલરવ
પહેલાં
ચકલીઓ અમારા ઘરે
માળો બાંધતી.
દર્પણમાં
પોતાની સાથે લડી પડતી.
આખો દિવસ
ઉડા ઉડ કર્યા કરતી.
આજે
એમનો ચીં…ચીં…નો કલરવ
સદંતર ભુસાઈ ગયો છે.
સમય જતાં
કારણ પણ
ભુલાઈ જશે ‘ગીધ’ની માફક…!!
~ વિજય ચલાદરી
ગઝલ: પુરુષના પેટમાં
પુરુષના પેટમાં બાળક રમી શકે,
અને સ્ત્રીનીય માફક સાચવી શકે.
તમે જે વેઠતાં તે બધુ જ વેઠશે,
ખુદા અમને હવે સાચ્ચે નમી શકે.
અમે કુદરત ભણી જોયું ન હોય પણ,
થયો અવતાર એનો એ ગમી શકે.
કરે લાખો વિચારો પામવા તને,
મળે મોકો તમારામાં ભળી શકે.
હતો સંસાર સૂનો સાવ તે છતાં,
દિવસ આખો પુરુષને પણ મળી શકે.
~ વિજય ચલાદરી
ગઝલ: ખબર હોય છે
એની મને ખબર હોય છે,
એ રોજ બેફિકર હોય છે.
આપી જશે બધું પ્રેમથી,
સ્વરમાં જ એ અસર હોય છે.
ખાલી કરી ભરી લ્યો હવે,
મનને ઘણી ફિકર હોય છે.
માગણ નથી ખુદાને મળું,
મંદિર કને પથર હોય છે.
રણમાં કદી નદી નીકળે?
મારી ઉપર નજર હોય છે.
~ વિજય ચલાદરી
¤ Facebook વાળી નાયિકાનું ગીત ¤
મેં તો ખોલાવ્યું Facebook માં ખાતુ,
Request રોજની એટલી આવે મારું દિલ ખુશીમાં સમાતું.
‘Good Night..!’ Wall પર Post કરું ત્યાં તો
નીચે Like થઈ જાતું,
ભૂલતાં જો મારાથી Photo મુકાઈ જાય
તો Comment વાંચીને મન ગાતું.
હું તો વાંચ્યા કરું ને Request મોકલ્યા કરું, મારું યૌવન ના ક્યાંય જોખમાતું,
મેં તો ખોલાવ્યું Facebook માં ખાતુ.
છોકરાની જાત એને સુજવાનું હોય શું ?
મારા પર ‘I Love You’ મોકલ્યું,
હું તો ગભરાઈ ગઈ પાછી છોકરીની જાત
મેં પેલ્લીવાર ‘Same to you’ મોકલ્યું.
એણે તો Video Songs ના ઢગલા કર્યા, મને એમાં ના કંઈ સમજાતું,
મેં તો ખોલાવ્યું Facebook માં ખાતુ.
સવારના પ્હોરમાં Facebook ખોલી ત્યાં તો
આંખો અંજાઈ ગઈ મારી,
Photo કેવો સાવ વસ્ત્રો વિનાનો
રોમે રોમ વ્યાપી કંપારી.
હું તો આંખો મીંચીને કરું સુવાનો ડોળ, જોયેલું દ્રશ્ય ન ભુલાતું,
મેં તો ખોલાવ્યું Facebook માં ખાતુ.
~ વિજય ચલાદરી
રાણકી વાવ
એક છોકરીએ ચિઠ્ઠી લખીને છોકરાને બોલાવ્યો રાણીની વાવમાં,
છોકરો તો આવી ગયો પ્રેમના પડાવમાં.
છોકરીની અંદર ઉછળતાં મોજાં
છોકરાના હૈયે અથડાતાં,
છોકરાને બધુ જ સમજાઈ ગયું
એનાં તનમન ભીંજાતાં.
છોકરો તો લગોલગ બેઠો આવી ગયો પૂરેપૂરા લગાવમાં,
એક છોકરીએ ચિઠ્ઠી લખીને છોકરાને બોલાવ્યો રાણીની વાવમાં.
છોકરીની છાતીમાં ચિતરેલાં છૂંદણાં
એણે આંગળી અડકાવીને જોયાં,
ધકધક થાતા ધબકારા સાંભળી
છોકરાએ સાનભાન ખોયાં.
છોકરી તો એવી રમી જીતી ગઈ એક જ દાવમાં,
એક છોકરીએ ચિઠ્ઠી લખીને છોકરાને બોલાવ્યો રાણીની વાવમાં.
~ વિજય ચલાદરી
પરણ્યાની પહેલી રાત
પરણ્યાની હતી રાત પહેલી, કરવી હતી વાત, સાહેલી !
વરસી પડી પ્રેમની હેલી !
પાંપણ વચ્ચે પલંગ આખો સજી બેઠો શણગાર,
કુંવારાં મારાં શમણાં આજે પરણ્યાં પહેલીવાર.
સુગંધ ફેલાવતી એક ચમેલી
પરણ્યાની હતી રાત પહેલી, કરવી હતી વાત, સાહેલી !
વરસી પડી પ્રેમની હેલી !
હાથને મારા ચૂમતાં એણે ચૂમ્યું આખૂ અંગ,
છેલ છોગાળો સૂતો બેઠેલો જબકી જાગ્યો અનંગ.
બંધ કરી પછી ખૂલી ડેલી
પરણ્યાની હતી રાત પહેલી, કરવી હતી વાત, સાહેલી !
વરસી પડી પ્રેમની હેલી !
કવિ પરિચય
નામ: વિજય ચલાદરી
જન્મ તારીખ: ૨૬/૦3/૧૯૮૨
અભ્યાસ: એમ.એ. (ગુજરાતી), એમ.ઍડ્. (શિક્ષણ)
પ્રાથમિક શિક્ષણ:
૧.ચલાદર પ્રાથમિક શાળા, ચલાદર (ધો. ૧ થી ૪)
૨. ચાત્રા પ્રાથમિક શાળા, ચાત્રા (ધો. ૫ થી ૭)
માધ્યમિક અને ઉચ્યતર માધ્યમિક શિક્ષણ:
શ્રી વી. કે. વાઘેલા હાઈસ્કુલ, દિયોદર, જિ. બનાસકાંઠા (ધો. ૮ થી ૧૨)
કૉલેજ શિક્ષણ:
૧. શ્રી ત્રિકમભાઈ ચતવાણી આર્ટ્સ ઍન્ડ જે. વી. ગોકળ કોમર્સ કૉલેજ, રાધનપુર, જિ. પાટણ (બી.એ.)
૨. શ્રી મહાદેવભાઈ દેસાઈ સમાજસેવા મહાવિદ્યાલય, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ. (એમ.એ.)
૩. શિક્ષણ મહાવિદ્યાલય, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ. (બી.ઍડ્. અને એમ. ઍડ્.)
વ્યવસાય: અધ્યાપક, શ્રી બી. જે. ગઢવી બી. ઍડ્. કૉલેજ, રાધનપુર જિ. પાટણ – ૩૮૫ ૩૪૦
સંપાદક: ‘છડીદાર’ સાપ્તાહિકમાં “કવિ અને કવિતા” કૉલમનું સંપાદન
કાવ્યસર્જન: ગીત, ગઝલ, સૉનેટ, મુક્તક, હાઇકુ અને અછાંદસ.
પ્રકાશન:
૧. વર્તમાનપત્ર: રખેવાળ, જયહિંદ, જનસત્તા લોકસત્તા, સંદેશ, ગુજરાત સમાચાર અને દિવ્ય ભાસ્કર.
૨. સામયિક: શબ્દસર, ધબક, ગઝલ વિશ્વ, કવિ, શહિદે ગઝલ, સુવાસ અને નિર્ધાર.
બ્લોગ: http://www.chaladari.blogspot.com
ઈ-મેઇલ: vijaychaladari@gmail.com mailto:vijaychaladari@gmail.com
ફેસબુક: Vijay chaladari
સરનામું:
ગામ: ચલાદર પોસ્ટ: ચાત્રા તા. ભાભર જિ. બનાસકાંઠા- ૩૮૫ ૩૨૦
સંપર્ક નંબર: મો. +૯૧૯૦૧૬૬૮૬૮૪૪ અને +૯૧૯૯૧૩૩૬૩૦૮૬
Like this:
Like Loading...