રસ્તા
ક્યાંક જો ફંટાય છે રસ્તા,
તો પછી ખોવાય છે રસ્તા.
‘ને તિરાડો લાખ પૂરીએ
તો ય ક્યાં સંધાય છે રસ્તા?
આંખમાં આંજો જરા શમણું,
તો નવા પથરાય છે રસ્તા.
માત્ર એક ડગલું ભરી ચાલો,
પ્હાડમાં કોરાય છે રસ્તા.
છે બધાની એક તો મંઝિલ,
કેમ નોખા થાય છે રસ્તા!
ભાર વેંઢારી અમે થાક્યા
કેટલા લંબાય છે રસ્તા!
હા, વિજય ચાલ્યા ગયા લોકો,
એકલા વળ ખાય છે રસ્તા.
____________________________________
ઑફિસ
વ્હેલી સવારે ટ્રેનમાં કચડાય એ પછી
હું કચકચાટ બાંધતો ઇચ્છાને ધૂંસરી
પ્હેરીને ડાબલા સતત ઘૂમ્યા કર્યું છે મેં
હાંફી ગયો છતાં ય છે આ દોડ વાંઝણી
તારા ગયા પછી જ હું પામી શક્યો મને
ખાલીપણું જ વિસ્તર્યું ‘તું મારા નામથી
ઑફિસ સમી છે આપણી આ જિંદગી વિજય
આખો દિવસ ચહલપહલ પણ સાંજ ઝૂરતી
________________________________
સત્ય શું?
આપણા હોવાપણાનું સત્ય શું?
જિંદગી તો એક પાનું, સત્ય શું?
એક પડછાયો જરા થથર્યો અને
કોડિયું મલકે છે છાનું, સત્ય શું?
કેટલું ભરચક હતું ટેબલ છતાં
સાવ ખાલી એક ખાનું! સત્ય શું?
રણઝણી ગઈ રાત આખી દોસ્તો
દર્દ એ કેવું મજાનું! સત્ય શું?
છે વિજય રસ્તો અજાણ્યો, તે છતાં-
આપણે ચાલ્યા જવાનું! સત્ય શું?
_______________________________
એક કે બે શ્વાસ …
એક કે બે શ્વાસ છે આ જિંદગી
મોતનો ઈતિહાસ છે આ જિંદગી
એક દી’ એ રેત શી સરકી જશે
આપણો પરિહાસ છે આ જિંદગી
આયનાથી બ્હાર આવી જો જરા
ભાસ, કેવળ ભાસ છે આ જિંદગી
દોડવું ને ભાગવું ને તૂટવું
એ જ તો સંત્રાસ છે આ જિંદગી
આપણે વરસ્યાં અને ભીનાં થયાં
તો જ શ્રાવણ માસ છે આ જિંદગી
ક્યાં સુધી હું શ્વાસને ગણતો રહું?
આખરી અજવાસ છે આ જિંદગી
__________________________________
આપણો સંબંધ
વાગતો ના શબ્દનો યે ગજ કદી
થાય ના એનું મને અચરજ કદી
આંજવું છે આંખમાં આકાશ પણ-
ક્યાં મળે છે આટલી યે રજ કદી?
આમ રસ્તામાં તમે મળતાં અને
થઈ જતી પૂરી અમારી હજ કદી
આપણો સંબંધ ભીના મૌનનો
ઝળહળે છે શબ્દનો સૂરજ કદી
‘ને હવે આકાશ ખાલી છે વિજય
તારલાની શી હતી સજધજ કદી!
______________________________
સૂક્કા ઘાસની ગંધ
સાવ સૂક્કા ઘાસની હું ગંધ છું
પાનખર આલાપતો સંબંધ છું
ટળવળ્યા કરતી તરસ તડકો ચઢ્યે
ધોમ ધખતા ગ્રીષ્મ જેવો અંધ છું
ઓ સમંદર ઉછળીને આવ તું
ખાબકી લે, આજ હું નિર્બંધ છું
ચોપડીનું એક પાનું વાળતાં
વાંચવો બાકી રહ્યો એ સ્કંધ છું
દોષ શો દેવો વિજય દીવાલને
હું ઉઘાડા બારણામાં બંધ છું
___________________________________
ઊભા કિનારે વેગળે
આંગળીના ટેરવે આવી મળે
એ ગઝલમાં તું જ આવીને ભળે
એક પથ્થર ફેંક તું પાણી ઉપર
’ને તરંગો કેટલાં ટોળે વળે!
શાંત રાતોમાં નદી ખળખળ વહે
ભીતરી એકાંત એને સાંભળે
આપણે સાથે વહ્યાં ‘તાં કો’ક દી
આજ તો ઊભા કિનારે વેગળે
જે સપાટી પર નથી આવી શક્યા
એ જ પરપોટા હવે જો ઑગળે
લાખ કોશિશો કરે તો પણ વિજય
જિંદગી હંમેશ આપણને છળે
આ નદી પામી શકે જો તું વિજય
તો જ એકાકાર થઈ તું ઑગળે
વિજય સેવક