નારી – વિપુલ પરમાર ‘હાસ્ય’

દીવડા કેરી જ્યોત બની અંધારાને ખાળી,
ધૂપસળીની સુગંધ બની ખુદનું જીવન બાળી,
નારી…નારી…નારી…નારી.. તારી અમરકથાઓ ગવાણી.

પતિના પગલે પગલે ચાલી, વનની કેડી કેડી,
રાજપાથના સુખ છોડ્યાને છોડી ઉંચી મેડી,
બેઠી ચિતામાં ચુપચાપ, સૂણી રાઘવ કેરી વાણી.
નારી…નારી…નારી…નારી.. તારી અમરકથાઓ ગવાણી.

પરમેશ્વરને પતિ માનીને ઘૂઘરું બાંધી નાચી,
રાણાનું એ ઝેર પી, બની અમૃતે મધમાતી,
માધવને મજબૂર કરે, આ મેવાડની મહારાણી.
નારી…નારી…નારી…નારી.. તારી અમરકથાઓ ગવાણી.

સંસ્કાર અને શૂરવીરતાના હાલરડાં તું ગાતી,
દોષ નહિ તારો છતાં પણ તું શલ્યા બની જાતી,
પત્ની, માતા, બેન બનીને ઘર ઘર મહી પૂજાણી.
નારી…નારી…નારી…નારી.. તારી અમરકથાઓ ગવાણી.

ખાઓ …કસમ સૌ સાથે મળીને,
દીકરીને રાખશું દીકરો ગણીને,
ભણી, ગણેલી નારી આખા કુળને લેશે તારી.
નારી…નારી…નારી…નારી.. તારી અમરકથાઓ ગવાણી.

વિપુલ પરમાર ‘હાસ્ય’
સ્વરાંકન : આનંદ સોની

અનુસૂચિત જનજાતિની પચાસ શાળામાં ત્રીજા નંબરનું વિજેતા ગીત
સ્થળ : કપરાડા, વલસાડ.

સાવ મૂંગીમંતર! – વિપુલ પરમાર ‘હાસ્ય’

મારામાંથી કોણ ગયું ? હું તો સાવ મૂંગીમંતર!
દિલમાં આવી કોણ બજાવે આ ઝીણું ઝીણું જંતર?

ચાલી ચાલી થાકું તોય
ન મળતો એનો કેડો,
મળી જાય તો બોલાય નહી બાયું
આ તે કેવો નેહ્ડો?
આંખ અને કાન વચ્ચેય આવું દૂર દૂરનું અંતર !
મારામાંથી કોણ ગયું ? હું તો સાવ મૂંગીમંતર!

વચન વાલમના યાદ કરી
હું છાનુંછાનું મલકું,
મુજમાં આખો સમદર ઘૂઘવે
હું ક્યાં જઈને છલકું?
ચિત્તડું મારું ચકરાઈ ગયુંને બુદ્ધિ થઈ છૂમંતર .
મારામાંથી કોણ ગયું ? હું તો સાવ મૂંગીમંતર!

લખવામાં એ આવે નહી
ન કોઈ વાણીમાં બોલાય,
બાવન બાવન બોલું પણ
હું થી શબદ ન ઉચરાય!
સાવય એળે ગયું મારું ભંવ આખાનું ભણતર .
મારામાંથી કોણ ગયું ? હું તો સાવ મૂંગીમંતર!

વિપુલ પરમાર ‘હાસ્ય’

કંઈ જામી છે ! – વિપુલ પરમાર ‘હાસ્ય’

કોઠો પ્રેમનો એમાય વળી વરસાદ આવ્યો, કંઈ જામી છે !
ભીને, સૂકે ધગધગતો ઉન્માદ જગાવ્યો, કંઈ જામી છે !

કાચમાં કેદ સપના ભીના, ઢળેલા હતા એની રાહમાં,
નવો ટપાલી કાગળમાં જૂની વાત લાવ્યો, કંઈ જામી છે !

નફરતના દરિયામાં એક માછલી શોધે છે મીઠી વીરડી,
સેર ફૂટી ખુદમાં, અંતે રઝળપાટ ફાવ્યો, કંઈ જામી છે !

ભગવાન જેવા ભગવાનનેય એકલું ફાવતું નહોતું અહી
કેટલાય હતા, ભેગી આદમજાત લાવ્યો, કંઈ જામી છે !

આદિકાળથી શોધમશોધ, ગોતમગોત કરીને જોયું તો
સ્થાવર જંગમ જળ સ્થળ છે નાદ ગજાવ્યો, કંઈ જામી છે !

બળબળતા સૂરજની ઉપરવટ ફરતાં’તા ‘હાસ્ય’
આંબાની છાંય જેવો મીઠો સાદ આવ્યો, કંઈ જામી છે !

વિપુલ પરમાર ‘હાસ્ય’