સાજણ ધોધમાર વરસાદ પડે છે- વિમલ અગ્રાવત

તગતગતી તલવાર્યુ તડફડ આમતેમ વીંઝાય રે સાજણ ધોધમાર વરસાદ પડે છે.
ઢાલ ફગાવી,બખ્તર તોડી,લોક વીંધાવા જાય રે સાજણ ધોધમાર વરસાદ પડે છે.

કળીઓ ફરફર ફૂલ બની ને લહ લહ લહ લહેરાય રે સાજણ ધોધમાર વરસાદ પડે છે.
ઝરણાં હફડક નદી બનીને દરિયામાં ડોકાય રે સાજણ ધોધમાર વરસાદ પડે છે.

તદારે તદારે તાની દીર દીર તનનન છાંટે છાંટો ગાય રે સાજણ ધોધમાર વરસાદ પડે છે.
ઘેઘેતીટ તાગીતીટ તકતીર કીટ્તક પવન તાલમાં વાય રે સાજણ ધોધમાર વરસાદ પડે છે.

જળનાં ઘોડાપૂર અમારી આંખ્યુંમાં રુંધાય રે સાજણ ધોધમાર વરસાદ પડે છે.
સેંથો,ચુંદડી,કંગન,કાજળ,લથબથ પલળી જાય રે સાજણ ધોધમાર વરસાદ પડે છે.

હું દરિયે દરિયાં ઝંખું ને તું ટીંપે ટીંપે ન્હાય રે સાજણ ધોધમાર વરસાદ પડે છે.
હું પગથી માથાલગ ભીંજું તું કોરેકોરો હાય, અરે ભરચક ચોમાચા જાય ને મારું અંગ સકળ અકળાય રે નફ્ફટ! ધોધમાર વરસાદ પડે છે.

વિમલ અગ્રાવત

સાજણ રહે છે સાવ કોરા! – વિમલ અગ્રાવત

આયખામાં આવી છે આષાઢીસાંજ અને ઝરમરિયા વરસે છે ફોરાં.
સખીરી મારા સાજણ રહે છે સાવ કોરા.

સાજણ કરતા તો સારું બાવળનું ઝાડ જેને છાંટો અડતા જ પાન ફૂંટે.
સાજણ સંતાય મૂઓ છત્રીમાં આખ્ખું આકાશ અરે મારા પર તૂટે.
પલળી પલળી ને હું તો ગળચટ્ટી થાઉં પછી સાજણ લાગે છે સાવ ખોરા.
સખીરી મારા સાજણ રહે છે સાવ કોરા.

ચૈતર વૈશાખ તો સમજ્યા પણ આષાઢી અવસરને કેમ કરું પાર.
સાજણ છે મારો સૈ વેકુરનો વીરડો ને મારી તરસ ધોધમાર.
વરસાદી વાયરાઓ ચાખી ચાખીને હવે ચાખું છું છેલ્લા કટોરાં.
તોય મારા સાજણ રહે છે સાવ કોરા.

વિમલ અગ્રાવત

પરિચય:
વતન: કવિ બોટાદકરની ભૂમિ બોટાદ.
અભ્યાસ: કવિ શ્રી બોટાદકર કોલેજમાં કવિતાનો ક ભણીને સંસ્કૃત વિષય સાથે અનુસ્નાતક.
વ્યવસાય: રાજુલાની જે.એ.સંઘવી હાઇસ્કૂલમાં શિક્ષક.
નિવાસ-સ્થાન: જાફરાબાદ, જિ.અમરેલી

http://agravatvimal.wordpress.com/ વિમલભાઈના બ્લોગમાંથી સાભાર.
કવિતામાં ગીત એ મારું પ્રિય સ્વરૂપ છે.અહીં મુખ્યત્વે મારા પ્રકાશિત ગીતો જ મૂક્યા છે. ગીતો કેવા લખાય છે એતો તમેજ કહેજો.આ બ્લોગ દ્રારા હું કાવ્યરસિકો સુધી પહોંચવા ઇચ્છું છું.જેથી મને મારી રચનાઓ વિશે અભિપ્રાયો મળે,ત્રુટીઓ સુધરે,સાહિત્યરસિક મિત્રો મળે,પ્રત્યાયન થાય અને કશું વધારે પામી શકાય. આપના પ્રતિભાવો હંમેશા આવકાર્ય છે.