ગીત – વીરેન પંડ્યા

કોને રે કહીએ વાત!
કોઈ અમોને સમજે નહીં ત્યાં જઈને શી કરીએ પંચાત?

જે પળેથી આવ્યો ગોકુલ છોડી, જાત તરછોડી ખુદથી દૂર;
ખૂણે ખાંચરે ત્યારથી ઊભરે આંખ્ય વચાળે જમુના પૂર ..
શું કહીએ? ગયા અમારાં દિનો કેમ, ને કેમ વીતી છે રાત!.. કોને રે કહીએ..

રે! અહીં તો દયારામથી ર. પા. લગણ સૌ ભાળે એની રીસ;
હ્રદય આ મારું અહોનિશે જે પાડે અહીં તે કોઈ ના સૂણે ચીસ!
અપરાધ બસ કર્યો એ જ અમોએ, કે નહીં જન્મ્યાં નારી જાત!.. કોને રે કહીએ..

-વીરેન પંડ્યા (ટાણા)