નયણાં
ઊનાં રે પાણીનાં અદ્ ભુત માછલાં-
એમાં આસમાની ભેજ,
એમાં આતમાનાં તેજ:
સાચાં તોયે કાચાં જાણે કાચનાં બે કાચલાં:
ઊનાં રે પાણીનાં અદ્ ભુત માછલાં.
સાત રે સમંદર એના પેટમાં
છાની વડવાનલની આગ,
અને પોતે છીછરાં અતાગ:
સપનાં આળોટે એમાં છોરુ થઈને ચાગલાં:
ઊનાં રે પાણીનાં અદ્ ભુત માછલાં.
જલના દીવા ને જલમાં ઝળહળે,
કોઈ દિન રંગ ને વિલાસ,
કોઈ દિન પ્રભુ! તારી પ્યાસ,
ઝેર ને અમરત એમાં આગલાં ને પાછલાં:
ઊનાં રે પાણીનાં અદ્ ભુત માછલાં.
વેણીભાઈ પુરોહિત
જીવનકાળ: 1 ફેબ્રુઆરી, 1916 થી 3 ફેબ્રુઆરી, 1980