પ્રભુનું નામ લઈ

હરજી લવજી દામાણી ‘શયદા’

     

પ્રભુનું નામ લઈ          

        

તમારા  પગ  મહીં  જ્યારે પડ્યો છું;

હું સમજ્યો એમ – આકાશે ચડ્યો છું.  

          

જતાં  ને  આવતાં  મારે  જ  રસ્તે,

બની પથ્થર, હું  પોતાને નડ્યો છું.

                

ઊછળતું    દૂર    ઘોડાપૂર   જોયું,

અને  પાસે  જતાં  ભોંઠો  પડ્યો છું.

            

તમો  શોધો   તમોને  એ જ  રીતે,

હું  ખોવાયા પછી  મુજને  જ્ડ્યો છું.

            

ખુશી  ને  શોક, આશા  ને  નિરાશા,

નિરંતર એ  બધાં  સાથે  લડ્યો  છું.

        

પરાજય   પામનારા,  પૂછવું   છે  –

વિજય મળવા  છતાં હું કાં રડ્યો છું?

             

પ્રભુ  જાણે  કે  મારું  ઘર  હશે ક્યાં?

અનાદિ  કાળથી   ભૂલો  પડ્યો  છું!

           

મને  ‘શયદા’  મળી  રહેશે વિસામો,

પ્રભુનું  નામ  લઈ  પંથે  પડ્યો  છું.  

          

હરજી લવજી દામાણી ‘શયદા’