એક શાયર છું જીવન-કર્મોથી ના અજ્ઞાન છું
વેદનો પણ છું ઉપાસક, કારીએ કુઅરાન છું
કિંતુ જો ઈમાનની પૂછો તો આસિમ સાંભળો
હું ન હિન્દુ છું, ન મુસ્લિમ છું, ફક્ત ઈન્સાન છું
– આસિમ રાંદેરી
હું શું કહું કે ક્યાં હું મથામણમાં જઈ ચડ્યો
પિંજરથી નીકળ્યો તો પળોજણમાં જઈ ચડ્યો
ઘાયલ નિરાંત કેવી આ હતભાગી જીવને
અકળાયો ખોળિયામાં તો ખાંપણમાં જઈ ચડ્યો
– અમૃત ઘાયલ
જીવન જેવું જીવું છું એવું કાગળ પર ઉતારું છું
ઉતારું છું પછી થોડુંઘણું એને મઠારું છું
તફાવત એ જ છે તારા અને મારા વિશે જાહિદ
વિચારીને તું જીવે છે, હું જીવીને વિચારું છું
– અમૃત ઘાયલ
ચડી આવે કદી ભૂખ્યો કોઈ હાંકી કહાડે છે
નથી કાંઈ પેટ જેવું અન્નકૂટ એને જમાડે છે
કરાવે છે મકાનો ખાલી મંદિર બાંધવા માટે
અહીં માનવને મારી લોક ઈશ્વરને જિવાડે છે
– અમૃત ઘાયલ
અમૃતથી હોઠ સહુના એંઠા કરી શકું છું
મૃત્યુના હાથ પળમાં હેઠા કરી શકું છું
આ મારી શાયરી એ સંજીવની છે ઘાયલ
શાયર છું પાળિયાને બેઠા કરી શકું છું
– અમૃત ઘાયલ
પીડા શમી ગયાનું કદી છળ નહીં કરે
સેવાના કોઈ યત્નને નિષ્ફળ નહીં કરે
સુંદર તબીબ હોય તો એક વાતનો છે ડર
સજા થવાની કોઈ ઉતાવળ નહીં કરે
-શૂન્ય પાલનપુરી
પ્રથમ તુજ દિવ્ય મોતીનું જરા દર્શન કરાવી દે
પછી હળવે રહીને મોજ ઊર્મિની વહાવી દે
છતાં ઊંડાણનું અભિમાન દર્શાવે યદિ સાગર
તો દિલના કોક ખૂણેથી જરા પરદો હટાવી દે
-શૂન્ય પાલનપુરી
Like this:
Like Loading...