જે સપનું ચાંદનીનું છે – શેખાદમ આબુવાલા

ખરીદી લીધું છે રાતે જે  સપનું  ચાંદનીનું છે

અરે ઓ સૂર્ય આ વેચાણ  તારી  રોશનીનું છે

                                              

થયા છે એકઠા પાછા ફરી  શ્વાસોના સોદાગર

ફરી રસ્તા ઉપર લીલામ કોની  જિંદગીનું  છે

                                                 

બિચારાનું હશે કિસ્મત રહ્યા અરમાન હસવાના

કફન તો સૂકવી આપો હજી આંસુથી  ભીનું  છે

                                                  

અમે ભિક્ષુક ખરા પણ આટલું તો માન સચવાયું

હજી આ પાત્ર  ભિક્ષાનું  અમારી  માલિકીનું  છે

                                                    

મળી છે રાત અંધારી  અને બોલી નથી  શકતા

અરે સૂરજના સોદાગર  વચન તો ચાંદનીનું છે

                                                      

કરે  તપ   દેશભક્તિનું   નચાવે   લોકશાહીને

બરાબર જોઈએ તો રૂપ  આ  નેતાગીરીનું  છે

                                                   

જરા ચેતીને  આદમ  ચાલજો નેતાની સંગતમાં

કે ખિસ્સામાં તો કાંટા છે અધર પર સ્મિત કળીનું છે

                                                          

શેખાદમ આબુવાલા