તારીખ 2 સપ્ટેમ્બર, 2006 ના રોજ પુરપાટ પવન ને ધોધમાર વરસાદથી તરબતર બપોરે બે વાગે રેરીટન સેન્ટર, એડિસન, ન્યુજર્સી ખાતે યોજાયેલ વિશ્વ ગુજરાતી સંમેલનમાં 500 થીય અધિક કાવ્યરસિક શ્રોતાઓની ઉપસ્થિતિમાં એક નાનકડું પણ યાદગાર કવિ સંમેલન યોજાયું હતું. લગભગ સોએક જેટલા શ્રોતાઓએ તો ખુરશીના અભાવે ઊભા ઊભા ગઝલો, ગીતો ને કાવ્યોનો આસ્વાદ માણ્યો હતો.
ગુજરાત ટાઈમ્સ સાપ્તાહિકના સહાયક તંત્રી શ્રી હસમુખ બારોટે કાર્યક્રમનું ખૂબ કુશળ સંચાલન કર્યું હતું. કવિ શ્રી અંકિત ત્રિવેદીએ પોતાની કૃતિઓ રજૂ કરી હતી. સર્વ કવિઓએ પોતાની ઉત્કૃષ્ટ કૃતિઓ રજુ કરીને શ્રોતાઓને રસતરબોળ કરી દીધા હતા. તેમાંય શ્રી આદિલભાઈ મન્સૂરીની નવી ગઝલોની વેધક રજૂઆત લોકોના હ્રદય અને પાંપણોને સ્પર્શી ગઈ હતી. અમેરિકન ગુજરાતી કાવ્ય જગતમાં કાવ્યોમાં નીતરતી આ બપોર લાંબા સમય સુધી શ્રોતાઓની સ્મૃતિના પાલવને ભીનો ભીનો રાખશે તેવી લાગણી બધાએ વ્યક્ત કરી હતી. આ ગુજરાતી કવિ સંમેલનની તસ્વીરમાં ઊભેલા, ડાબેથી : શ્રી વિજય શાહ, શ્રી હસમુખ બારોટ, શ્રી ધીરુ પરીખ, શ્રી આદિલમન્સૂરી, શ્રી રોહિત પંડ્યા, શ્રી હરનિશ જાની, શ્રી રસિક મેઘાણી, શ્રી નટવર ગાંધી. બેઠેલાઓમાં : શ્રીમતી પન્ના નાયક, શ્રીમતી બિસ્મિલ મન્સૂરી, શ્રીમતી રશીદા દામાણી (તસ્વીર : અલી ઈમરાન મનસૂરી)
Like this:
Like Loading...