ફૂલ રસ્તા ઉપર એક પડેલું હતું
કોકે એની ઉપર કંઈ લખેલું હતું.
લોક જોતા હતા: હુંય જોતો રહ્યો
બહારથી મારું ઘર બહુ સજેલું હતું.
મેં જ વર્ષોથી ટીંગાડી રાખ્યું હતું
પાન તો ઝાડ પરથી ખરેલું હતું.
એની ઉપર ઘણાંની નજર ગઈ હતી
મારી પાસે જે એક દુ:ખ બચેલું હતું.
આગ આ ઘરમાં કઈ રીતે લાગી ભલા?
આ તો વર્ષોથી ખાલી પડેલું હતું.
માર્ગમાં એક મૃગજળને આપી દીધું
પ્યાસ પાસે જે પાણી બચેલું હતું.
એને જોવાને વેરાનીઓ આવતી
‘સૈફ’ મારું યે મન શું વસેલું હતું.
‘સૈફ’ પાલનપુરી