ફૂલ કહે ભમરાને, ભમરો વાત વહે ગુંજનમાં
માધવ ક્યાંય નથી મધુવનમાં.
કાલિન્દીનાં જલ પર ઝૂકી પૂછે કદંબ ડાળી,
યાદ તને બેસી અહીં વેણુ વાતા’તા વનમાળી?
લહર વમળને કહે, વમળ એ વાત સ્મરે સ્પંદનમાં
માધવ ક્યાંય નથી મધુવનમાં.
કોઇ ન માગે દાણ કોઇની આણ ન વાટે ફરતી,
હવે કોઇ લજ્જાથી હસતાં રાવ કદી ક્યાં કરતી!
નંદ કહે જશુમતીને, માતા લાલ ઝરે લોચનમાં
માધવ ક્યાંય નથી મધુવનમાં.
શિર પર ગોરસમટુકી મારી વાટ ન કેમે ખૂટી,
અબ લગ કંકર એક ન લાગ્યો, ગયાં ભાગ્ય મુજ ફૂટી;
કાજળ કહે આંખોને, આંખો વાત વહે અંસુઅનમાં
માધવ ક્યાંય નથી મધુવનમાં.
હરીન્દ્ર દવે
હરીન્દ્ર દવેની સરસ રચના છે. મારી શાળા સી એન વિદ્યાલયમાં મધુર રાગમાં ગવાતું પણ હતું.
કવિની કેવી અદભુત કલ્પના છે? માધવના વૃંદાવન છોડી ગયા પછી કદંબ ડાળી, કાલિંદીના જળ, ગોપીઓ, નંદ, જશોદા જાણે પ્રત્યેક ક્ષણે માધવને યાદ કર્યા કરે છે. ગોપીઓ તો સતત એવું જ ઈચ્છે છે કે મારગમાં કાનુડાની આણ વર્તાતી જ રહે અને એ દાણ માંગે જેની રાવ લજ્જાથી હસતાં હસતાં કરી શકાય. શિર પરની મટુકી પર કંકર ન વાગે અને મટુકી ન ફૂટે એમાં ગોપીઓને પોતાનાં ભાગ્ય જ ફૂટી ગયેલાં લાગે છે.
તુષાર અંજારિયા