હજુય વેદના અનુભવાય છે, મેં પોતે જ તો ઠોકર મારી’ તી.
એ પળો જે રમવાની,ભમવાની અને શેરીઓ ખૂંદવાની હતી.
જાણે, તાજું અવતરેલું ઝરણું, પર્વતમાળાની ગોદમાં જન્મ્યું’ તું.
નાજુક અને ખળખળતું, કુદરતી સૌન્દર્ય જેના ભાગ્યમાં હતું.
વિચારોનું વહેણ એટલું તે જોરમાં હતું, પ્રશ્નો હજારો જમા થયા’તા,
જવાબોની ઝંખનાની સાથે સાથે પળેપળે સવાલો વધતા જતા’તા.
મોટા થયા વિના સાચી દુનિયા નહી જોઈ શકાય એ વાતની ખબર હતી,
“ક્યારે મોટુ થઇશ, કેવી હશે એ” ના વિચારોમાં ગતિ ધીમી થઇ રહી’તી.
લોકોથી આગળ વધવા માટે, “દોડ” શરુ થયા પેહલા જ દોડવા માંડ્યો,
લાગ્યું કે છેતરી નાખ્યો છે સમયને, પણ છેતરી રહ્યો’તો એ મને.
ધીર, ગંભીર નદીમાં પરિવર્તિત થયી ગયું છું હવે, હવે જોઈ શકીશ દુનિયાને,
ના, આ એ દુનિયા નથી જેના વિષે સાંભળ્યું તું, અરે, હું તો ઝરણું જ સારું હતું.
એ પ્રશ્નોના જવાબો તો હજુ નથી મળ્યા, સવાલો વધવાનો દર વધી ગયો છે.
અને એમાં, સૌથી ઉપર તરી આવતો સવાલ, એ સમય કોણ લઇ ગયું?
બસ, હવે તો, સાગરમાં ભળી જઈશ, અને વિચારશૂન્ય થયી જઈશ.
અને, બાષ્પમાં ફેરવાઈને ફરીથી નાજુક ઝરણું થવાની પ્રતીક્ષા કરીશ.
હસિત ભટ્ટ
~ Hasit Bhatt (http://hasitpbhatt.blogspot.in/)