ઘરઝૂરાપો – હિમાંશુ પટેલ

ઘરઝૂરાપો

આ મારું તડકે સાંધ્યુ,
દળ દાઝ્યું ગામ.
જ્યાં ડાઘુઓ
રસ્તાને શેઢે ઉભડક બેસી રહે,
ટાઢ બીડીમાં બળે, પોલો ખોબો ભરી,
ડમણિયું સાંજે માથું ધુણાવે,
ઘર મારામાં રમણભમણ,
હું અહીં
પાછો આવીશ, અને
પરિયા જેવું મરીશ.ફરીથી.
પછી-
પડખે તમાકુમાં
મારી રાખ વેરી દેજો
અને, મને બીડી વાળી પી જજો.

હિમાંશુ પટેલ
૪-૨-૨૦૧૦
http://himanshupatel555.wordpress.com

હિમાંશુ પટેલ

હિમાંશુભાઈના અનેરી ભાતના ને મધુરા સ્વાદના રંગબેરંગી કાવ્યો માણવા એમના himanshupatel555.wordpress.com બ્લોગની મુલાકાત અવશ્ય લેવા જેવી છે.

કવિતા રચવા પાછળનો એમનો આશય એમના જ શબ્દોમાં માણીએ.

ગુજરાતી ભાષાને રૂઢિચૂસ્ત ઉપયોગમાંથી બહાર કાઢી લાવવા,
ગુજરાતી કવિતાને રૂઢિચૂસ્ત બંધનોમાંથી ઉગારવા,
ગુજરાતી ભાષા અને કવિતાને આરામશીર જગ્યામાંથી બહાર લાવી
નવેસરથી ફરી ફળદ્રુપ બનાવવા,
ગુજરાતી કવિતાએ પરિમાણ બદલવા, એ હવે આવશ્યક્તા થઈ ગઈ છે,
કારણકે ગુજરતી કાવ્યને શૈથિલ્ય વળગ્યું છે !
( વિવેચક સિતાંશુ યશશ્ચંન્દ્રને મતે એ ઉર્મિતત્વનું છે.)
ગુજરતી કવિતાએ અતિશય વેગ પકડ્યો છે, હવે ફ્ંટાવાની (digress) જરૂર છે—
કવિતાના વળાંકે diversify –જૂદી જાતની બનવાની કે જૂદા સાહસ કરવાની કે
જૂદા ધંધામાં નવેસરથી રોકાણ કરવાની –તાતી જરૂર છે.
કવિતાએ કૌમાર્ય, બ્રુહદતા અને સ્ફોટથી તસતસતું રહેવું જોઈએ.

ગુજરતી કવિતાને આવું સાહસ આપવા કે
નવેસરથી રોકણ કરાવવા હું કવિતા લખું છું;

આ બ્લોગ એ મથામણ છે, અહીં શરૂઆત પણ છે…..
મારી તમારી અને સમસ્તની…..

જૂઓને, આ લેન્સક્રાફ્ટ કરતાં પર્લવિઝન આંખો સસ્તી વેચે છે અને
વિઝનવર્લ્ડ તો વળી આછો રંગ પણ મારી આપે એક્સ્ટ્રા ચાર્જ લઈઃ

આવો આ બદલાતી રેખાઓ, રંગોને સથવારે નાળે નાંગરવા– મોકલું છું આ
સંક્રમણ કંકોત્રી— નોતરું સાકટમ ( સહ કુટુંબ ) છે હિમાન્શુનું ….ટીલીલયો !!!!
એમના ૩ પુસ્તકો પ્રકાશિત થયા છે ૨૦૦૭માં
૧) કવિતા જીવન ચિત્રોનું અક્ષયપાત્રઃ ટૂંકા અને દીર્ઘ કાવ્યો
૨) બધા રંગો વેદનાથી ભરેલા છે ( ૫૭ પ્રોઝ પોએટ્રી )
૩) એક કવિતા પર્યાપ્ત છે અસ્તિત્વ માટૅ ( વિશ્વ ભરના ૨૦૫ કાવ્યના અનુવાદ)
પ્રાપ્તિ માટે મેસેજ મૂકો himanshupatel555.wordpress.com પર

હિમાંશુ પટેલના બ્લોગ પરથી સાભાર.