આજનું આઈપેડ થ્યું બુક પેન ગેમ, ભૂલકાં ભલા ભણશે ગણશે ભૈ કેમ?
રે કક્કો બારાખડી એમ નૈ રહેશે હેમખેમ
અહીં તો બસ તર્જનીથી પાઠ સહુ ભણતાં ને વેઢાં મૂકી લાખમાં ગણતા
દ્રોણાચાર્ય એકલવ્યને રે ભુલી સોફામાં જ રમતા મેલી અંગુઠા રખડતા
ચાખી બાંધી મૂઠ્ઠી રાખની ના એ સમજશે ગુરુ દેવો ભવ સમ બુદ્ધ પ્રેમ
રે કક્કો બારાખડી એમ નૈ રહેશે હેમખેમ
અજાણ પેન્સિલ કેમ છોલાય વદે વાય વાય રે વેણ ન તાજવે તોલાય
ભણતાં પંડિત નીપજે લખતાં લહિયો થાય હાય એમ કેમ હવે બોલાય
યુ ટ્યુબમાં જ ઝુલી સ્વાધ્યાયને ભુલી આમ બોલકાં બની જશે બેરહેમ
રે કક્કો બારાખડી એમ નૈ રહેશે હેમખેમ
કૃષ્ણ સુદામા રોજ ફેસબુકમાં જ મળશે તો નહીં કળશે ગોધણની સુગંધ
ના હળવું મળવું ના બાથંબાથ ભળવું હાં કકળશે લંગોટિયો સ્નેહ સંબંધ
આઘાપાછી વિના ટુકડા ટુકડા એક કરી કેમ રે ઉકેલશે આયખાની ગેમ?
રે કક્કો બારાખડી એમ નૈ રહેશે હેમખેમ
વિદ્યાસાગરે રેલ્યાં મેઘધનુષી રંગ રે ગાગરે માણો ઘેર બેઠાં આવી ગંગ
ગમતો ગુલાલ ગૂંજે ભરી ગુણ કેરાં ગુલાબ દો ધરી કે હો સરસ્વતી દંગ
સ્ક્રીન પાન પાન ગુંજો સારેગમ પ્રેમ ને પ્રતિઘોષે એના ટળો દિલ વહેમ
કે કક્કો બારાખડી એમ ભૈ રહેશે હેમખેમ
દિલીપ ર. પટેલ
ફેબ્રુઆરી 27, 2011