ખુદા લિખિત ખત છે આ કુદરત – દિલીપ ર. પટેલ

ખુદા લિખિત ખત છે આ કુદરત રહેજે મનવા પઢવા ખુદ રત
ધરા ધારો વિધિલેખ તારો સજીને એ સંદેશ સુધારજે તુજ ગત

પવન વન ઉપવન પથ પર્વત નદી રણ હાં ખુદાના દસ્તખત
ખુલ્લી ખોલી કિતાબ દીધાં ધરા આભ, નહીંતર શું શું ગુજરત

નહીં એ જરૂરી કે કરી અક્ષી બંધ તું બસ રહે ધ્યાનમહીં મસ્ત
પ્રભુ પ્રગટ છે સૂર્યમાં દર્શન ન દુર્લભ જોઈ લે ઉદય કે અસ્ત

વ્રત જપ તપ બસ ના’વે ખપ કાં રહે ટીલાં ટપકાંમાં આસક્ત
જન જનાવર છે શબ્દાક્ષર સેવા સૌની સરશે મેવા કંકુ અક્ષત

કથા કિર્તનના સાદ સુણી શરત સાથ પરમ ના રે રીજે પરત
વરસાદ હાં હરિ હરખ ધરા ખીલ્યા ધાન પાન પરસાદ પરખ

કાશી જમણ તીર્થ ભ્રમણ તો ફોગટના ફેરાં જળ શું ઠરશે રક્ત
ફૂલ પાંખે ખીલે રામ વૃક્ષ ડાળે ઝૂલે કાન કરવા જીવોને જક્ત

માયા મહેલ રચી મોહમહીં રે રહી વ્યસ્ત તું તો થઈશ પરસ્ત
હરજી કુદરતને જાણી મરજી એહની માણી દિલ થા અલમસ્ત

– દિલીપ ર. પટેલ

સૃષ્ટિએ સારપનું રે ઝીલવું – દિલીપ ર. પટેલ

સૃષ્ટિએ સારપનું રે ઝીલવું

કળી ખુલે એમ ખુલવું મારે રાજ ફૂલ ખીલે એમ ખીલવું
બની સુંદર વળી વેરી સુગંધ સૃષ્ટિએ સારપનું રે ઝીલવું

ગળી ભળે નીર ભળવું અંતર અંબરની અશુધ્ધિનું પીલવું
બની ધવલ પુરી રંગ હેતલ સૃષ્ટિએ સારપનું રે ઝીલવું

બણ થકી ન તંગ કે ચીડવું પતંગને પ્રીતે પુષ્પનું બીડવું
એ વેરી પરાગ પ્રેરી વિરાગ સૃષ્ટિએ સારપનું રે ઝીલવું

અસત્ પળે પૂરું ખીજવું પણ સત્ સામે હિમાદ્રિ શું થીજવું
ભુલી મદ પદ રહી સ્થિર મતિ સૃષ્ટિએ સારપનું રે ઝીલવું

બલિ દાને બલિહાર તું મહારાજ! ઝંખું એવો તુને રીઝવું
હરજી મરજીમાં હાં મુકી હસ્તિ સૃષ્ટિએ સારપનું રે ઝીલવું

– દિલીપ ર. પટેલ

કે હરજીની મરજીમાં કરવાનું હોય ભૈ હાજી – દિલીપ ર. પટેલ

દુનિયાનો માનવી ગરજે ગોવિંદ ભજે, એમ તે બકવાથી શું થાય એ રાજી?
કે હરજીની મરજીમાં કરવાનું હોય ભૈ હાજી

ખોલવાનું દિલ કર્મના કુરુક્ષેત્રમાં ને ખેલવાનું થઈ પાર્થ સ્વભાવની સામું
મારી અભાવ અવગુણ અરિ વિધિલેખમાં ખુદ લખવાનું હાં સદ્ભાવનું નામું
લભવા નિશાન ધામનું પિંડ ગાંડિવ દેવું એને કે એનો દાવ એની છે બાજી
કે હરજીની મરજીમાં કરવાનું હોય ભૈ હાજી

ડોલવું ને બોલવું એને જ ભક્તિમાં મોલવું એ તો માવાને માયામાં તોલવું
આવે છો ભવસરે ભરતી ઓટ એની મસ્તીમાં મૂકી દોટ હોડીનું હો રોલવું
હલેસાં હરિ હાથમાં દૈ થૈ સૂકી ભાજી હરખે તરવું મઝધારે કે એજ છે માંજી
કે હરજીની મરજીમાં કરવાનું હોય ભૈ હાજી

રગરગ વહી હરિ હર રુદયે રહ્યો કાં ચર્ચ મંદિર મસ્જિદ ચર્ચા વિષય થયો?
બાઈબલ ગીતા કુરાને સંદેશ રે કહ્યો પરસ્પર પ્રેમ રહેમ તો હાં ભયો ભયો
ધર્મ ભક્તિ જ્ઞાન વિરાગ રીત છો ઝાઝી દયાએ દિલ મરોડ વદે વેદ ગાજી
કે હરજીની મરજીમાં કરવાનું હોય ભૈ હાજી

દિલીપ ર. પટેલ
નવેમ્બર 27, 2010

કાં ગ્યાં તમે જગજીત? – દિલીપ ર. પટેલ

ગઝલકિંગ થઈને ઘરોઘર હાં ઘટોઘટમાં ગૂંજતા એવા પદ્મભૂષણ જગજીતસિંગને આજે એમના દુ:ખદ અવસાન પ્રસંગે ભાવભરી શ્રધ્ધાંજલિ સહ સમર્પિત એક ગઝલ…

ગઝલ ઘેરી ગવાયેલી દઈ કાં ગ્યાં તમે જગજીત?
સજલ નૈના ઘવાયેલી દઈ હાં ગ્યાં તમે જગજીત

અંતર વાજીંતરે રેલી એવી દર્દીલી દાસ્તાન
કરી અમને મૂગાંમંતર અહીંયા, ગ્યાં તમે જગજીત

ભજન ગીતો નઝમ દુહા સુરીલો છોડી સંસાર
વહાવી સ્વર ને સંગીતની પ્રીત ગ્યાં તમે જગજીત

જીવનની તાણ તાણે તાલ બચપન કસ્તી બારિશી
અમર થૈ ગાઈ હોઠોં સે છુ લો, ગ્યાં તમે જગજીત

પદ્મભૂષણ, સુગંધી સુરાહી દિલ સદા મ્હેંકો
રહ્યાં ગાઈ પડઘાઈ એવા ના ગ્યાં તમે જગજીત

દિલીપ ર. પટેલ
10/10/2011

આતંકવાદી વાયરે હાય રે! .. દિલીપ ર. પટેલ

આતંકવાદી વાયરે હાય રે! ..

વિધર્મવાદી કાયરે વસુધા કૂખે દીધો જીવન વિલોપનનો દંસ કો
આતંકવાદી વાયરે હાય રે! હરી લીધો નાઈન ઈલેવનનો દસકો
આતંકવાદી વાયરે હાય રે! ..

આંધી આણી ધર્માંધ અથડાયા કે ત્રણ ઝાટકે હોમાયા ત્રણ હજાર
સેવાયજ્ઞો વડવાનળ તહીં પ્રેમ રહેમના રચાયા પણ વ્રણ અપાર
અલ્લાહ! અલઅમાન નહિ સુણી શેં દર્શ્યો બેય મિનારાનો ભુસકો?
આતંકવાદી વાયરે હાય રે! ..

ખપ્પર ખેલિયાં ઓબામા બુશ ઓસામા ઈરાક જુધે ભુલી શૂધબૂધ
દેશ સેનાની છ હજાર હણાયા નિર્ધનિયાં રાજ હાં લુંટાયા લખલૂટ
રક્તસર રેલ્યાં તોયે અમીધારે રે ધુએ સ્વાતંત્ર્યદેવી મેલી ડુસકો
આતંકવાદી વાયરે હાય રે! ..

બુલેટ બોંબ ફાયરે જીત્યા ઘણાય એ કાયરને દિવેટ થ્યા શું ગણાય
કાફિર કાલાં કાંતવા કાશ કરવાં કાલાવાલા કે પોત કપોત વણાય
સુપર-પાવર સત મશાલ સદા ઝળહળ ભલે ભાવર મારતા મસકો
આતંકવાદી વાયરે હાય રે! ..

દિલીપ ર. પટેલ
સપ્ટેમ્બર 11, 2011

હાં રે દીધી દારૂણ સજા રે – દિલીપ ર. પટેલ

તગડી સરકારે બગડી બેદરકારે ઉતાર્યા ઉપવાસે અન્ના હજારે
હિન્દ સેવક સેનાનીને જીવતર આરે ના રે નવરાશ ના રજા રે
હાં રે દીધી દારૂણ સજા રે

પ્રધાનો ખાતા પૈસા ખાતાં અહીં બિચારા અંજળ મૂકતાં આતા
નહીં રે સંભળાતા આ ભ્રષ્ટાચાર વિરોધી વા વંટોળિયા વાતા
ભૂખમરામહીં મરતી ભારતમાતા છે દિશાહીન તિરંગી ધજા રે
હાં રે દીધી દારૂણ સજા રે

ફરિયાદ ન કાન ધરે વાદ વિવાદ જ કરે એ ગૂંગળાવે વિશ્વાસ
સેવા પેગામ નીચે નેવા હાં ગામ વેચે વિકાસ નામે રે વિનાશ
સત્તા નશે નાચે કચેરી મ્હેલાતે રાચે નાગરિક શિરે ના છજા રે
હાં રે દીધી દારૂણ સજા રે

દેશ રોજી મનમોજી લૂંટે લાલચ લાંચે પ્રજા પીડિત પાયમાલ
જઠરાગ્નિ છે જાગ્યો, આવ્યો વારો કરવા ધારો જન લોકપાલ
લાત દઈ લૈ ઘૂસ જે ફોડે કારતૂસ નિર્જળ ધણ નહીં વેઠે વધારે
હાં રે દીધી દારૂણ સજા રે

દિલીપ ર. પટેલ
એપ્રિલ 2011

એજ બેતાલા – દિલીપ ર. પટેલ

એજ બેતાલા
(છંદ: લગાગાગા લગાગાગા લગાગાગા લગાગાગા)

કરી લો દીર્ઘ દિવ્ય દ્રષ્ટિ દર્શન એજ બેતાલા
અરિ ‘સ્વ’ભાવ કાપો લૈ સુદર્શન એજ બેતાલા

લટકાવી મિરાજોને ચક્ષુમાં ઝાંખ જેહ્ આણી
નજર ઊતારવા નટરાજ નર્તન એજ બેતાલા

બુઢાપો એટલો શું પાસમાં છે કે ન દેખાતો ?
નિહાળી મોત જીવનપાથ દર્શન એજ બેતાલા

ન જોવા જોખમો બસ જોઈ લેવા ફાયદા સઘળે
પસીના રે પછીના વા શું સર્જન એજ બેતાલા

મહાલ્યા ચગડોળે ચોરયાશીના મદાંધ છો
વિચારી લ્યો દીધાં કરવા તર્પણ એજ બેતાલા

સરસ જે કાંઈ લાગ્યું આજ સુધી છે તમે જોયું
દીધું હાં દર પણ જોવા દર્પણ એજ બેતાલા

તમે તો દિલ બધાં પાસે લીધે રાખ્યું ન કૈં દીધું
દયા દુઆ રહો દ્રગે સમર્પણ એજ બેતાલા

દિલીપ ર. પટેલ
માર્ચ 19.2011
ઓરેન્જ, કેલિફોર્નીયા

પિંડ કરમાયા – દિલીપ ર. પટેલ

પિંડ કરમાયા
(કત્આ – છંદ: લગાગાગા લગાગાગા લગાગાગા લગાગાગા)

જણી જૂઠી એ જગમાયા મૂઠી રુદિયે પથરાયા
ન પરખાતું એના થ્યા આપણે હાયે પડછાયા
ચુસી લોહી સ્વયં ઓક્યા કુડો હાં કાર્બની કેફી
ધરા સારી પચાવી થૈ કુત્તા ભટક્યા હડકાયા

શરીરી રૂપ એ એવા છુપાયા કે ન પરખાયા
દુકાને માલ એનો તોય ‘મારું’ માં અટવાયા
ગર્ભ વ્યથા છતાં કર્તા દમ્ભે દર્ભેય ના પામ્યા
‘અહં બ્રહ્માસ્મિ’ ભ્રમે ના ભજી હરિ ભવ ભરમાયા

ગર્ભપીઠે ખીલે ક્રોસે કળિકાળે એ ધરબાયા
ગુનેગારો છડેચોકે મુક્તિદા ફંદ ફરમાયા
સજી ચશ્મા સૂતાં ઊંધા રખેવાળો મદે મોહે
કણોમાંયે વસ્યાં ઐશ્વર્યધારી પણ ન પરખાયા

લડ્યાં રે ક્રોસ કાબા ઓમ તારક એ ન હરખાયા
ધર્મ ધતિંગ ખેલી ચાહ લૈ મેલી ન શરમાયા
કુટુમ્બ જ્યાં વસુધા તોય હાઉસ કાજ થ્યા માઉસ
કમ્પ્યુટરી બ્રહ્માંડે ડૉટ થૈ દિલ પિંડ કરમાયા

દિલીપ ર. પટેલ 6/6/11

રે કક્કો બારાખડી એમ નૈ રહેશે હેમખેમ – દિલીપ ર. પટેલ

આજનું આઈપેડ થ્યું બુક પેન ગેમ, ભૂલકાં ભલા ભણશે ગણશે ભૈ કેમ?
રે કક્કો બારાખડી એમ નૈ રહેશે હેમખેમ

અહીં તો બસ તર્જનીથી પાઠ સહુ ભણતાં ને વેઢાં મૂકી લાખમાં ગણતા
દ્રોણાચાર્ય એકલવ્યને રે ભુલી સોફામાં જ રમતા મેલી અંગુઠા રખડતા
ચાખી બાંધી મૂઠ્ઠી રાખની ના એ સમજશે ગુરુ દેવો ભવ સમ બુદ્ધ પ્રેમ
રે કક્કો બારાખડી એમ નૈ રહેશે હેમખેમ

અજાણ પેન્સિલ કેમ છોલાય વદે વાય વાય રે વેણ ન તાજવે તોલાય
ભણતાં પંડિત નીપજે લખતાં લહિયો થાય હાય એમ કેમ હવે બોલાય
યુ ટ્યુબમાં જ ઝુલી સ્વાધ્યાયને ભુલી આમ બોલકાં બની જશે બેરહેમ
રે કક્કો બારાખડી એમ નૈ રહેશે હેમખેમ

કૃષ્ણ સુદામા રોજ ફેસબુકમાં જ મળશે તો નહીં કળશે ગોધણની સુગંધ
ના હળવું મળવું ના બાથંબાથ ભળવું હાં કકળશે લંગોટિયો સ્નેહ સંબંધ
આઘાપાછી વિના ટુકડા ટુકડા એક કરી કેમ રે ઉકેલશે આયખાની ગેમ?
રે કક્કો બારાખડી એમ નૈ રહેશે હેમખેમ

વિદ્યાસાગરે રેલ્યાં મેઘધનુષી રંગ રે ગાગરે માણો ઘેર બેઠાં આવી ગંગ
ગમતો ગુલાલ ગૂંજે ભરી ગુણ કેરાં ગુલાબ દો ધરી કે હો સરસ્વતી દંગ
સ્ક્રીન પાન પાન ગુંજો સારેગમ પ્રેમ ને પ્રતિઘોષે એના ટળો દિલ વહેમ
કે કક્કો બારાખડી એમ ભૈ રહેશે હેમખેમ

દિલીપ ર. પટેલ
ફેબ્રુઆરી 27, 2011

“કહે કહાન કર મનવા કાબુમાં જહાન” જાપાન સુનામી પ્રસંગોચિત

‘રીંગ ઓફ ફાયર’ પર ગગનચુંબી ઈમારતો ને વસ્તીવાળી વસાહતો રચીને સુનામીને આવકારો શું આપણે જ નથી આપ્યો?
વિનાશકારી મહા ધરાકંપ ને શક્તિશાળી સુનામી બાદ આજે જાપાનને આંગણ કુકુશીમાના ન્યુક્લિયર પાવરપ્લાંટ પરથી બીજો ચેર્નોબીલ ન રચાય એ માટે ભગીરથ પ્રયાસો થઈ રહ્યા છે ને નીકળેલા રેડીએશનની આશંકા હેઠળ આડઅસર ટાળવા આયોડીનની દવાનું વિતરણ થઈ રહ્યું છે ત્યારે ભગવાન કહાન મનુષ્યને પૂછી રહ્યા છે કે પર્યાવરણ પર તેં ગુજારેલા ત્રાસને કારણે કુદરતને કાબુમાં રાખવાનું કામ આજ મારા તાબામાં નથી રહ્યું. મનવા તારે આ જહાન પર કાબુ કરવાનો છે.
તો વાંચો પ્રસંગોચિત ગીત…..

આયો દિન ગોઝારો આયોડીન કેરો આજ તારો જાપાન
રીંગ ઓફ ફાયર પરે હાય! દાવ તેં કેવો ખેલ્યો નાદાન
કહે કહાન કર મનવા કાબુમાં જહાન

પાતાળી પાષાણ પ્રતિ પરાક્રમો પોલાદી તોય તકલાદી
સુનામીના કિનારા કને રે મઢે મિનારા માનવી તકવાદી
વિલાસ કાજ કરી વિકાસ વેરે વિનાશ વિકરાળ વિજ્ઞાન
કહે કહાન કર મનવા કાબુમાં જહાન

મજા મોજાંની રોજ માણે તો કદીક સજા સોજાંની પરાણે
ચક્કર આ તો એવું ચાલે આદિ અંતની સંતાકૂકડી જાણે
રાખ એટલું ધ્યાન તલવાર તો જ રક્ષે જો તું રચે મ્યાન
કહે કહાન કર મનવા કાબુમાં જહાન

તૈલધારે માછલાં મારે ના રે સૂણે ડુસકાં દરિયાના ભારે
હે ચાંચિયા તું તરાપ મારે એના અધિકારે ને ના વિચારે
ધરા ધન ચૂસી કૂડો કાર્બની થૂંકી મેલાં કીધાં જળ પાન
કહે કહાન કર મનવા કાબુમાં જહાન

જાન માલ ગયા જે પાયમાલ થયા એ પંચભૂતે ભળ્યા
દયા દરિયો દુઆ ભરિયો ખાર લઈ દે અમીરસ ગળ્યા
અધ્યાત્મે ઓગાળી વિજ્ઞાન સહજીવને સંભાળજે સુકાન
કહે કહાન કર મનવા કાબુમાં જહાન

દિલીપ ર. પટેલ
માર્ચ 12, 2011