મારા અંબોડે મોગરોને જુઈ

ગીત
શીર્ષક:-મારા અંબોડે મોગરોને જુઈ.

સહિયર હું તો સોળ સોળ વરસોની થઈ,
મારા અંબોડે મોગરોને જૂઈ,
સહિયર હું તો સોળ સોળ વરસોની થઈ.

કેટલાય વરસોથી સાચવીને રાખ્યો છે
છાતીમાં ડીંડલિયો થોર,
પંડ્યમાં ખૂચે છે કોઈ ઈચ્છા અજાણ,
અને અંગ અંગ પ્રસરે છે તોર,
હડિયું કાઢે છે સૈઈ ગમતીલો આદમી
મળી એનામાં ખોવાઈ ગઈ.
મારા અંબોડે મોગરોને જૂઈ.

ઉંબરની માલીપા ધરબેલી ઈચ્છાઓ
પહેલા વરસાદ ટાણે જાગે,
મધમીઠો સથવારો સાહીબાનો
હળવેથી કમખામાં લાગે.
મેડી પર સૂતી ઝરુખડાને ઝાંકુ
ને ઝાંકુ છું વાલમને સૈઈ.
મારા અંબોડે મોગરોને જુઈ.

ઘનશ્યામ
નર્મદા
તા:-06/10/22

એકત્ર’નો ગ્રન્થ-ગુલાલ :‘કાવ્ય-આચમન’ શ્રેણીસંયોજક: યોગેશ જોષી

એકત્ર’નો ગ્રન્થ-ગુલાલ :‘કાવ્ય-આચમન’ શ્રેણીસંયોજક: યોગેશ જોષી

PROFITFROMPRICESLEAVE A COMMENTEDIT

વીસમી સદીના પ્રશિષ્ટ કવિઓનાં ચૂંટેલાં કાવ્યોનું eBook થકી આચમન કરાવતી ‘કાવ્ય-આચમન’ શ્રેણી પાંચેક સંપુટમાં પ્રગટ થશે; દરેક સંપુટમાં દસ કવિઓ. આ શ્રેણીનું સંપાદન યોગેશ જોષી તથા ઊર્મિલા ઠાકર કરી રહ્યાં છે. દરેક પુસ્તકમાં કવિનો પરિચય તથા એમનાં કાવ્યો વિશે આસ્વાદમૂલક આલેખ પણ પ્રગટ થશે. આ શ્રેણીના પહેલા સંપુટમાં દસ કવિઓની eBook પ્રગટ થશે. આ કવિઓ છે —
1. સુન્દરમ્, 2. નિરંજન ભગત, 3. પ્રિયકાન્ત મણિયાર, 4. ઉશનસ્, 5. જયન્ત પાઠક, 6. ચંદ્રકાન્ત શેઠ, 7. રમેશ પારેખ, 8. બાલમુકુન્દ દવે, 9. ઝવેરચંદ મેઘાણી અને 10. નલિન રાવળ.
eBookના અંતે ‘કાવ્યગાન-આચમન’ પણ ઉમેરાશે, જેનું સંકલન અમર ભટ્ટ કરશે.
પહેલા સંપુટમાં દરેક કવિનાં એકાવન કાવ્યો પીરસ્યાં છે. ‘કાવ્ય-આચમન શ્રેણી’ની પ્રસ્તાવના અહીં રજૂ કરું છું.
સંપાદકીય
હિમાલયમાં જન્મી, દરિયાને મળતી ગંગાની જેમ ગુજરાતી કવિતા વહેતી રહી છે. એમાંથી કાવ્ય-આચમન કરવાનું મન થયું. આચમન કરતાં જ કાવ્યભૂખ જાગી. ઇન્ટરનેટયુગ તો એકવીસમી સદીમાં વિકાસ પામ્યો. વીસમી સદીમાં તો કાવ્યભૂખ સંતોષવા ‘નગરી નગરી દ્વારે દ્વારે ઢૂંઢું રે સાંવરિયા’ની જેમ, ગ્રંથાલય ગ્રંથાલય ફરવું પડતું. કોઈ કાવ્યગ્રંથ ક્યાંય ન મળે તો છેવટે ગૂજરાત વિદ્યાપીઠ, ગ્રંથાલયનો કૉપીરાઇટ્સ વિભાગ ફંફોસવો પડતો.
ગુજરાતી કવિતાના દરિયામાં મરજીવાની જેમ અનેક વાર, વારંવાર ડૂબકીઓ મારી છે. મોટે ભાગે ખાલી છીપલાંના ઢગલેઢગલા હાથ લાગ્યા છે, પણ કોઈ કોઈ છીપલાંમાંથી સાચાં મોતી મળ્યાં છે. એ મોતીમાંથી નાનકડો નવલખો હાર કરવાનું અને કાવ્યપ્રેમીઓને ધરવાનું મન થયું. એમાંથી આ ‘કાવ્ય-આચમન શ્રેણી’નો વિચાર સ્ફુર્યો ને થયું, ગુજરાતી કવિતાના મહાઅન્નકૂટમાંથી પડિયા ભરી ભરીને પ્રસાદ વહેંચ્યો હોય તો? એક એક કવિ લઈ, એમનાં સમગ્ર કાવ્યોમાંથી પસાર થઈ, એકાદ પડિયામાં માય એટલો કાવ્યપ્રસાદ લઈને વહેંચીએ, ‘ગમતાંનો ગુલાલ’ કરીએ.
કાવ્યપ્રસાદના નાનકડા પડિયામાં બધી વિવિધ વાનગીઓમાંથી પસંદ કરીને જરી જરી મૂકી છે. આથી કેટલાંક ઉત્તમ કાવ્યોનો પડિયામાં સમાવેશ ન થાય એવુંય બને. પણ દરેક કાવ્ય નીચે એનો સ્રોત આપ્યો છે. વધારે પ્રસાદની ઇચ્છા થાય એ મૂળ કાવ્યસંગ્રહ સુધી જઈ શકે. દરેક કવિનો અને એમની કવિતાનો એક વિલક્ષણ લાક્ષણિક રેખાઓવાળો ચહેરો ઊપસે એ રીતે કાવ્યોની પસંદગી કરાઈ છે. ક્યારેક, શુદ્ધ કવિતાની દૃષ્ટિએ કોઈ કાવ્ય ઊણું ઊતરતું હોય એવુંય લાગે, પણ એમાં, ભલે સીધાં કથન દ્વારા, ઐતિહાસિક-સાંસ્કૃતિક-ભારતીય સંદર્ભો પમાતા હોય તો તેવી રચનાઓમાંથીય કેટલીક આમાં સમાવી છે. દરેક કાવ્યગ્રંથમાં અંતે કવિ તથા એમની કવિતા વિશે પરિચયાત્મક આસ્વાદલેખ મૂક્યો છે. આ ‘કાવ્ય-આચમન શ્રેણી’ સહૃદય ભાવકોમાં કાવ્યભૂખ જગવશે એવી શ્રદ્ધા છે.
કાવ્યપ્રેમીઓને આ કાવ્યપ્રસાદ ઈ-બુક રૂપે આંગળીના ટેરવાંવગો કરી આપવા બદલ મિત્ર અતુલ રાવલ તથા એકત્ર ફાઉન્ડેશનનો હૃદયપૂર્વક આભાર માનું છું.— યોગેશ જોષી
આ સંપુટના દસ કવિઓમાંથી નિરંજન ભગત, ઉશનસ્ તથા જયન્ત પાઠકની eBook આ સાથે આપના આચમન અર્થે, આપનાં ટેરવાંવગી, હાજરાહજુર!
વાંચો: ‘કાવ્ય-આચમન’ શ્રેણી – નિરંજન ભગત
વાંચો: ‘કાવ્ય-આચમન’ શ્રેણી – ઉશનસ્
વાંચો: ‘કાવ્ય-આચમન’ શ્રેણી – જયન્ત પાઠક

રીતે વહાલ કંઈ કરાય ?…. ~ કૃષ્ણ દવે

ખાંગા થઈને તુટી પડેલાં મેઘને બે શબ્દો….

આ રીતે વહાલ કંઈ કરાય ?

ઊભરાયું હોય હેત
ટપલીક બે મારીએ
પણ સીધો કાંઈ ધુંબો મરાય?

ઓચિંતા આવીને
ધાબા લઞ ઊછળીને
કરવાનુ આવુ તોફાન ?

શેરિયુંમા તરતી
ઇ કાગળની હોડિયુંનું
થોડુંક તો રાખવુંતું ધ્યાન ?

ગામ આખું આવે
ભાઇ નદીયું માં નહાવા
પણ નદીયું થી ગામમાં ગરાય ?

આ રીતે વહાલ કંઇ કરાય?

એવુ તો કેવુ વરસાવ્યુ
પળભરમા તો આંખ્યુ પણ
ઓવરફલો થાય ?

ધસમસવું સારું,
પણ આટલું તો નહીં જ
જેમા છેવટ એક ડૂમો રહી જાય.

ખેતર, અબોલ જીવ
શ્વાસ ચૂકી જાય
એવો ભીનો કાંઈ ચીંટીયો ભરાય ?

આ રીતે વહાલ કંઈ કરાય ?….
~ કૃષ્ણ દવે

કવિ શ્રી સૌમ્ય જોશીની અદભુત રચના ”કુતરા કેરી વાત”…!!

સૌમ્ય જોશી અદભુત રચના ”કુતરા કેરી વાત” એક નવા અંદાજમાં..!! માણો માત્ર 4મિનિટના વિડીઓમાં..

નજરોનાં હરણાં- સ્વાતિ જોશી

નજરોનાં હરણાં
——————
નજરોનાં હરણાં કદી-કદી તો તને શોધવા આવે છે
એ તો કહે, તને કેમ શહેરોનાં વગડા ફાવે છે?
લાગણીઓથી છલી પડેલા સરોવરો પર,
મર્યાદાનાં પાળા ભલેને ચણાઈ ગયા;
તારા નામે કાંકરીચાળો કોઈ કરે તો,
યાદોનાં વારિ નયન હજી છલકાવે છે! એ તો કહે…
નથી હવે એ આમ્રકુંજ ના બાગ-બગીચા,
મુરજાયેલી ભાવના સુકી ભઠ્ઠ ભલે ને;
વિરહનાં તાપે ખરી રહેલી કોમળ કળીઓ,
નામ સાંભળી તારું, મોં મલકાવે છે! એ તો કહે…
તારા સાથની આશનાં વાદળ આઘા છો ને,
કુરંગ નજરોનાં જરા એમ તો જીદ્દીલા છે;
વિછોહી મનનાં દુઝી રહેલા ઘા ને કોરી,
ખુદનાં શોણે મનની પ્યાસ બુઝાવે છે! એ તો કહે…
તને શોધતાં હરણાંઓની ઇહા ફળે ને,
વગડે ભમતા તારો કદીએ સાથ મળે તો;
કંટક વચ્ચે ગુલછડી કેરી આરત સાથે,
હજુ તો હરણાં વિષાદને હંફાવે છે!
હવે તો કહે, તને કેમ શહેરોનાં વગડા ફાવે છે?

*વારિ = પાણી, કુરંગ = હરણ, વિછોહી = વિરહથી પીડાતા, કોરી = કોતરીને,
શોણ = રક્ત, ઈહા = ઈચ્છા, આરત = આશા, વિષાદ = નિરાશા
– Swati Joshi.
Originally Published at – https://swatisjournal.com/gujarati-poetry/

મહાભારત : એક માથાકૂટ છે Mahabharat- Ek Mathakoot- Krushna Dave

જે કરવાનાં હતાં જ નહી એ કામ કર્યાની માથાકૂટ છે,
મોરપિચ્છને હડસેલીને મુકુટ ધર્યાની માથાકૂટ છે. – કૃષ્ણ

રોજ પ્રતિજ્ઞાની શૈયા પર સૂતી વખતે એને થાતું,
ઈચ્છાને આધીન રહી આ નહી મર્યાની માથાકૂટ છે. – ભીષ્મ

સમજણની નજરેયથી ના સમજે તો સમજી લેવાનું
પુત્રમોહમાં આંખોએ અંધાર વર્યાની માથાકૂટ છે. – ધૃતરાષ્ટ્ર

આંખો પર પાટા બાંધો એ દ્રષ્ટિનું અપમાન જ છેને
આમ જુઓ તો હકીકતોથી રોજ ડર્યાની માથાકૂટ છે. – ગાંધારી

નહીંતર એવી કંઈ મા છે જે વ્હાલ નદીમાં તરતું મૂકે ?
કુંવારા સપનાએ સૂરજ સહેજ સ્મર્યાની માથાકૂટ છે. – કુંતી

નથી જાણતા એમ નથી પણ કોઈ પૂછે તો એ બોલે છે,
જીવન બીજું કશું નથી, આ ભેદ ભર્યાની માથાકૂટ છે. – સહદેવ

ખેંચાતા વસ્ત્રોના કંઠે માંડ આટલા શબ્દો નીકળ્યાં,
હોય અંધના અંધ, એટલા વેણ ઝર્યાની માથાકૂટ છે. – દ્રૌપદી

સો સો હાથીનું બળ પણ લાચાર બની ચિત્કારી ઉઠ્યું,
વચનોમાં બાંધી બાંધી આ પળ ઉતર્યાની માથાકૂટ છે. – ભીમ

કવચ અને કુંડળની સાથે જીવ ઉતરડી પણ આપું કે ?
હોવું એ તો અકસ્માત છે, તેજ ખર્યાની માથાકૂટ છે. – કર્ણ

તાકેલો નિશ્ચય ધ્રૂજે તો એને તો કહેવું જ પડેને,
હા અથવા ના ની વચ્ચોવચ આમ ફર્યાની માથાકૂટ છે. – અર્જુન

અંગૂઠો ખોયાનો અમને રંજ હજુયે છે જ નહિં બસ
ખોટી મૂરત સામે સાચા થઈ ઊભર્યાની માથાકૂટ છે. – એકલવ્ય

છેક સાતમા કોઠામાં ઘેરાયેલા સાહસને લાગ્યું,
માના કોઠામાંથી હોંકારા ઉચર્યાની માથાકૂટ છે. – અભિમન્યુ

મૃત્યુ સામે કપટ હારતુ લાગ્યું ત્યારે સમજાયેલું,
કેવળ પાસામાં જ અમારો જીવ ઠર્યાની માથાકૂટ છે. – શકુનિ

નરોકુંજરો વા ની વચ્ચે ભાંગી પડતી એ પળ બોલી
વિદ્યા વેચી વેચી સામે પાર તર્યાની માથાકૂટ છે. – દ્રોણ

થાકી હારી આંસુના તળિયે બેઠા ત્યાં તો સંભળાયું,
ધર્મ જાણવા છતાં અધર્મે રહી ઉછર્યાની માથાકૂટ છે. – દુર્યોધન

અંતહીન અંધારે મારગ ઘુવડ જેમ ભટકવું એ તો,
અર્ધા જીવતા રાખી અર્ધા પ્રાણ હર્યાની માથાકૂટ છે. – અશ્વત્થામા

ક્યાં છે ને કેવું છે એ હું સમજાવું પણ કેવી રીતે ?
સત્ય એટલે મુટ્ટીમાંથી રેત સર્યાની માથાકૂટ છે. – યુધિષ્ઠિ

મહાકવિ તો કહેવાયા પણ સાચું કહું આ વ્યથાકથામાં,
ઓતપ્રોત થઈ ઊંડે ને ઊંડે વિચર્યાની માથાકૂટ છે. – વેદવ્યાસ

– કૃષ્ણ દવે

ઉગાડે એમ કદી ઉગવાનું નહીં Krushna Dave

ઉગાડે એમ કદી ઉગવાનું નહીં
આપણે તો આવળ ને બાવળની જાત ઉગવાનું હોય ત્યારે પૂછવાનું નહીં

ધગધગતા તડકાના પેગ ઉપર પેગ અને ઉપરથી આખું વેરાન,
નિરાંતે બેસી જે ભરચક પીવે ને એને પાલવે આ લીલાં ગુમાન,
રોકે કદાચ કોઈ ટોકે કદાચ તોય મહેફિલથી કોઈ દિવસ ઉઠવાનું નહીં
આપણે તો આવળ ને બાવળની જાત ઉગવાનું હોય ત્યારે પૂછવાનું નહીં

આપણે તો એનીયે સમજણ શું રાખવી આ મસ્તીમાં ખરવું કે ફાલવું,
આપણા તો લીલાછમ લોહીમાં લખેલું છે ગમ્મે તે મોસમમાં મ્હાલવું,
અરે હસવું જો આવે હસવું બેફામ અને આંસુ જો આવે તો લૂછવાનું નહીં
આપણે તો આવળ ને બાવળની જાત ઉગવાનું હોય ત્યારે પૂછવાનું નહીં

ઊંડે ને ઊંડે જઈ બીજું શું કરવાનું ? ધરવાનું આપણું જ ધ્યાન,
પથ્થર ને માટીના ભૂંસી ભૂંસીને ભેદ કરવાનું લીલું તોફાન,
દેખાડે આમ કોઈ દેખાડે તેમ તોય ધાર્યું નિશાન કદી ચૂકવાનું નહીં
આપણે તો આવળ ને બાવળની જાત ઉગવાનું હોય ત્યારે પૂછવાનું નહીં

પણ ઉગાડે એમ કદી ઉગવાનું નહીં…

– કૃષ્ણ દવે

મજા આવે છે જે કામ માં

મજા આવે છે જે કામ માં….

મજા આવે છે જે કામ માં તેમા સમયનો બગાડ છે
ના, હું નથી કહેતો, કહે વડીલો સલાહકાર છે

આ કર અને આ ના કર, તે કરીશ તો ફાયદો શું?
તું કંઇ સમજતો જ નથી કેમ આટલો ગમાર છે?

લોકો ક્યાં નીકળી ગયા પણ તુ ત્યાં નો ત્યાં જ છે
તારે કંઇ કરવુ જ નથી ? આખરે શું વિચાર છે?

કંટાળી ગયો છુ સાંભળી સાંભળીને એક જ વાત
શું મન માં મારા આવે, તે બધુ જ બેકાર છે ?

હું બિચારો ફુટબોલ જેવો ને જુઓ સામે બે બે ટીમ
મન ફાવે તેમ મારે લાત, મે ખાધી કેટલીય વાર છે

બસ હવે તો ઘણુ થયુ, મક્કમ કર્યુ છે મારુ મન
મન આપ્યુ છે ઇશ્વરે જેમાં શ્રઘ્ઘા રાખવી અપાર છે

સાચુ જીવન જીવવુ છે મોઇઝ તો જાત પર વિશ્વાસ કર
લોકોને જોઇ જોઇ ને જીવવામાં શું સાર છે ?

મોઈઝ હિરાણી…

…..પાછો મળુ

સંભાવનાઓના મેળામાં ખોવાઇને પાછો મળુ
આગ લગાડી આગમાં બળીને પાછો મળુ

વાદળોમાં પથરાઇ જઇ હું આમતેમ ફરુ
ખૂબ વરસી વરસાદમાં, જળ ટીપાં મા મળુ

ઉપદેશો-સલાહ-સુચનોમાં જકડાઇ ખૂબ ચુકયો છુ
જો આવીને કરે તુ મુકત તો પાછો મુજને મળુ

ઘેરા ઘેરા જંગલો ને કેવા કેવા રસ્તા છે ! !
પણ પથદશૅક તુ મારો છે હું શીદને પાછો વળુ

ખુદા તારા પ્રેમની પરિભાષા કદાચ એ જ હશે
કે ખોવાઇ જઇ ને મુજમાં હું, તુજ માં પાછો મળુ

જીવનને ફકત ઘસડયા જ શુ કામ કરવુ મોઇઝ
કઇંક તો કરુ કે મયૉ પછી સિતારામાં ઝળહળુ

મોઈઝ હિરાણી…