જીવન અંજલિ થાજો ! – કરસનદાસ માણેક

              જીવન અંજલિ થાજો !

           મારું જીવન અંજલિ થાજો !

ભૂખ્યાં કાજે ભોજન બનજો, તરસ્યાનું જળ થાજો;

દીનદુ:ખિયાનાં આંસુ લો’તાં અંતર કદી ન ધરાજો!

           મારું જીવન અંજલિ થાજો !

                                                           

સતની  કાંટાળી  કેડી  પર  પુષ્પ બની પથરાજો;

ઝેર જગતનાં જીરવી જીરવી અમૃત ઉરનાં પાજો!

           મારું જીવન અંજલિ થાજો ! 

                                                        

વણથાક્યા ચરણો મારા નિત તારી સમીપે ધાજો;

હૈયાના  પ્રત્યેક   સ્પન્દને   તારું  નામ  રટાજો !

            મારું જીવન અંજલિ થાજો !

                                                          

વમળોની વચ્ચે નૈયા મુજ  હાલકલોલક થાજો;

શ્રધ્ધા કેરો દીપક મારો નવ કદીયે ઓલવાજો!

           મારું જીવન અંજલિ થાજો !

                                                        

કરસનદાસ માણેક
 

27 Comments

  1. -શેર :-

    ૧. મળી છે આ જિંદગી તો હસતી હસાવતી રાખો
    હશે આ આ જિંદગી હસતી તો કોઈ દર્દ નહી રહે

    ૨.કા લોક પ્રેમને બહાર શોધે ને કા લોક અહીં તહીં ભટકે છે
    જરા આંખ મીંચી ભીતર માંહી જો અવિરત પ્રેમની ગંગા વહે છે .

    ૩.જિંદગીની સફ્રર ક્યાંક ટૂંકી અને લાંબી પણ હોય છે
    પણ આ જિંદગીની આ સફ્રરમાં કેવું જીવ્યા તેનો જ મર્મ ગવાય છે

    ૪.મેં તો માંગ્યું ન્હોતું ને મને પ્રેમનો ગુલદસ્તો મળ્યો
    પ્રેમ ક્યાં હોય છે આમ સસ્તો મને ગમતો તેવો જ રસ્તો મ્ળ્યો .

    ૫.અનુભવ દુનિયાના લઈને ઘડાયો છું ને
    ઘસાઈ ઘસાઈ ને ચંદન બન્યો છુ.

    કવિ : જાન
    મલેક્પુર વડ
    તા. વડનગર
    જી : મહેસાણા
    મો :૯૯૨૪૬૧૦૧૨૪

  2. પિંગબેક: અંજલિ « સહિયારું સર્જન - પદ્ય

  3. હરીશભાઈ, ગુર્જરજનોને કંઠસ્થ ને જીભે રમતી આ કૃતિ આપણા સહુના આચરણમાં આકારિત થાય એજ ખરી અંજલિ લેખાશે.
    મધુસંચય દ્વારા સાહિત્ય સંચારનો આપનો ઉમદા પ્રયાસ આદરણીય તેમજ અભિનંદનીય છે.
    આપનો આભાર… દિલીપ પટેલ

Leave a comment