આઝાદી – રમેશ પટેલ ‘આકાશદીપ’ (Ramesh Patel)

ઉપાસના કાવ્યસંગ્રહમાં “ઉપાસના”ને આવકારો આપતાં શ્રી દોલત ભટ્ટ લખે છે: કવિ આ સંગ્રહમાં બહુધા વતનપ્રેમ, દેશભક્તિ અને શૌર્યનું રસપાન કરાવવાનો પ્રબળ પુરુષાર્થ કરી શબ્દ ગુંથણી કરી કેટલેક અંશે સિધ્ધિના શિખર સર કરે છે. મા ભોમ પ્રત્યેની ભારોભાર ભાવનાથી ભિંજાઈ “રણભેરી” રચનામાં તેમની કલમ શૌર્ય પાન કરાવતા કથે છે :   

આ ધરણીએ પાયા પ્રેરણાના પાન, જાગો રે જાગો મા ભોમના સંતાન આતતાયી ઠેરઠેર ખેલે રે અગન, મસ્તકે કફન બાંધી ખેલો રે જવાન.

આજે 15 મી ઓગષ્ટ 2007 ના રોજ ભારત ભોમને  આઝાદી મળ્યે 60 વર્ષ પૂરાં થાય છે.  આ નિમિત્તે કવિલોક  મા ભોમ પ્રત્યેની શુભભાવનાથી ભિંજાઈ શુભકામનાઓ પાઠવે છે ને વાચકોને ઉપાસના કાવ્યસંગ્રહમાંથી આઝાદી અને રણભેરી   કાવ્યકૃતિઓ પીરસે છે.    

1- આઝાદી

જનજનની શક્તિ ઊભરી, વતનને દીધી આઝાદી
વીરોની આ  ભૂમિ ભારતી,  ગજગજ ફૂલવે છાતી

રંગ દીઠા સવા સવૈયા, આઝાદીના મહા લડવૈયા
જનમભૂમિનાં રતન રૂપાળાં, પ્રગતિપંથના ખેવૈયા

સાગર ઘૂઘવે ગગન ગજવતો, સોમથી બાંધી નાતો
લીલાછમ લહેરે વગળાં ખેતરો, પંખી ગાતાં ગીતો

વતન  અમારું  પ્યારું  પ્યારું, શૌર્ય  શક્તિથી  શોભે
અહીંયાં આદર સ્નેહ સમર્પણથી યશપતાકા લહેરે આભે

આકાશ આંબશું મહાશક્તિથી, કરી નૂતન યુગ મંડાણ
ધીંગી ધરાના સંસ્કાર શોભાવી પથ્થરે પૂરશું પ્રાણ

દઈ પડકારો રંગે રમશું, માપશું નયા આયામ
ગાંધી રાહે દોરી જગને માતૃભૂમિને કરશું સલામ

આઝાદ દિન પંદરમી ઓગષ્ટ, આનંદ અંતરે ઝૂમે
અણમોલ અમારી આઝાદી, ભારતનો ત્રિરંગો રંગે પ્રેમે

  

2- રણભેરી  

વાગે  રણભેરી  ને ગાજતું  ગગન,  ના ઝૂકજે  દેખી  દુશ્મનોનાં  દમન
તારો ભરોસો રે ભગવાનને અટલ, અપલક અવનિ નીરખે તારું શૂરાતન

જુસ્સાથી જંગ તમે ખેલજો જવાન,  દીધી છે આણ ધરી સૂરજની શાખ
ગજાવજો સમરાંગણ શૌર્યથી દિનરાત, રચજો કીર્તિગાથા માભોમને રે કાજ

માનવતાએ આજ દીધો તુજને મહાસાદ, યુધ્ધ એજ માનજો હવે કલ્યાણ
જુલ્મોને આપવા સવાયો જવાબ, સમરાંગણે શૂરાઓ આજ કરજો પ્રયાણ

દાવપેચી દુશ્મનોએ ધરિયાં બહુરૂપ, શતરંજની ચાલથી ખેલશે રે દાવ
શૌર્યથી શોભાવજો સિંહકેસરીની કાયા, ધર્મપથથી રાહે ઝીલજો રે ઘાવ

આ ધરણીએ પાયાં પ્રેરણાનાં પાન, જાગો રે જાગો મા ભોમના સંતાન
આતતાયી ઠેરઠેર ખેલે રે અગન, મસ્તકે કફન બાંધી ખેલો રે જવાન

સુણજો માભોમના અંતરના સાદ, જંગમાં ઝુકાવો લાલ કરતા સિંહનાદ
ધ્રુજાવજો ધરણી ને શત્રુઓના હામ, રખોપા કરજો તમે ભારતીના લાલ

દીઠા તારા બાહુમાં હસ્તીનાં રે બળ,  રોમરોમ પ્રગટે  સાવજના શૌર્ય
મહા ભડવીર હૈયામાં રાખજો રે હામ, હાક દેજો માનવતાની રાખવાને લાજ

રમેશ પટેલ ‘આકાશદીપ’
કાવ્યસંગ્રહ: ઉપાસનામાંથી સાભાર

4 Comments

Leave a comment