આઝાદી…રમેશ પટેલ ‘આકાશદીપ’

આઝાદીનો આંચલ ઓઢી પ્રગટ્યું નવલ પ્રભાત
હરખ સજીને ફરફર ફરકે ત્રિરંગી તાકાત
પાવન પર્વ પંદરમી ઑગષ્ટ ઉમંગી સરતાજ
જયહિંદ જયઘોષથી ગજવીએ લોકશાહીનાં રાજ
………………………………………………….

મળી આઝાદીને ,જનજન ઉરે આશ જનમી
ધન ધન અમે માત ગરવી,
હવે માને ખોળે, વતન સજવા જાત ધરવી

ધરા લીલુડી ને, ખળખળ વહેતાં પાક ઝરણાં
પળપળ દિલે હેત ભરતાં,
અમે ધાશું જોમે, જતન કરવા ભાવિ વરવાં

સજાવીશું માને, હર ચમન ફૂલે અમનથી
નવયુગે તને કોટિ કરથી,
દઈશું સન્માનો, વચન વટ હામે હરખથી

અમે તારા કાજે, વિકટ પથડે જંગ લડશું
ધવલ યશથી રંગ ભરશું,
ત્રિરંગા ઓ મારા, ફરફર દિલે લાડ કરશું

થઈ ગર્વી ગાશું, અમર લડવૈયા શુભ દિને
ગદ ગદ થઈ ભાવ ધરશું,
રૂડી આઝાદીનાં, મધુર ફળનાં ભાગ્ય રળશું

રમેશ પટેલ ‘આકાશદીપ’

1 Comments

  1. અમે તારા કાજે, વિકટ પથડે જંગ લડશું
    ધવલ યશથી રંગ ભરશું,
    ત્રિરંગા ઓ મારા, ફરફર દિલે લાડ કરશું

    આદરણીય રમેશભાઈએ કાવ્ય લેખનમાં દેશના પ્રતિક સહીત ધરતી ચમન

    વિગેરેને ખુબ આત્મીતથી ઉલ્લેખી કાવ્યને ચાર ચાંદ લગાવી કાવ્યને રમતું

    કર્યું છે તે બદલ ધન્યવાદ.

Leave a comment