પર્વની પ્રસાદી મને સાંપડી રે લોલ.
જીવનની ઉજાણી મને સાંપડી રે લોલ.
આભે પરમપિતા પતંગ, સંગ સંક્રાંત પવન;
સદવૃત્તિની છૂટી દોર, ઉત્તરાયણ પુણ્યદાયી રે લોલ.
પર્વની….
બળે અસુર અગનઝાળ, ટળે માયા રંગરોગાન;
શાતાની બચી શેષ, હોળી ધૂળેટીની પજવણી રે લોલ.
પર્વની……
ચઢે મહબલિ શિવલિંગે, બિલિપત્તરને સંગે;
જીવ બની રહે શિવ, શિવરાતની મધરાત રે લોલ.
પર્વની…..
માની મર્યાદા માનતા, મેલી સ્વતંત્રતા પરકાજ;
ખરી માનવ કેરી શાન, રામનવમી નમણી રે લોલ.
પર્વની…….
હરિ હંકારે જીવનરથ, ઉબડ-ખાબડ જે પથ;
કૃપા કમાવાને મથ, રથયાત્રા રમણીય રે લોલ.
પર્વની…….
રમે સૌ રસમયી રાસ, બની ગોપ-ગોપી જે રાત;
નિર્ગુણ થઈને રાચ, ગોકુળ આઠમ ગરવી રે લોલ.
પર્વની……
ઘૂમે ગરબે ભૂલી નાતજાત, મધુ છલકે નવરાત;
ચાંદની કેરો સંગાથ, શરદ પૂનમ શમણી રે લોલ.
પર્વની……
છૂટે અજ્ઞાન અંધકાર, જ્ઞાન જ્યોત ઝબકાર;
પ્રગટે દિલડે દીપ, શુભ દીવાળીની રંગોળી રે લોલ.
પર્વની…….
ઉરે ઉમંગ ઉલ્લાસ, વરસે હરખ અંગોઅંગ;
રહે નિત નવું વરસ, નૂતન વર્ષની ઉજવણી રે લોલ.
પર્વની……
પર્વની પ્રસાદી મને સાંપડી રે લોલ.
જીવનની ઉજાણી મને સાંપડી રે લોલ.
દિલીપ ર. પટેલ
ઓરેંજ, કેલિફોર્નીયા