મન શાંત લાગે છે…

મન શાંત લાગે છે…

ખૂબ વઘુ ઉચાટ છે મનમાં તેથી શાંત લાગે છે
ઝડપી પંખાની ગતી જેમ સપાટ લાગે છે

સતત નિરાશ વિચારોની ટેવ પડી ગઈ છે હવે
સમયના ડફણા પણ હવે મજાક લાગે છે

ઘણી વાર થાય છે કે કેમ ચાલશે? પણ ચાલ્યા કરે છે
સુખ દુખના મૌસમ માં સ્થિર જ લલાટ લાગે છે

કોને કહું ? અને કહેવાનો અથૅ પણ શું ?
લોક બિચારા શું કરે જ્યારે સમયની ઝપાટ લાગે છે

નિરાશા માં પણ એક નશો હોય છે મોઇઝ
કોઇ ખંખેરવાનું કહે તો ખરાબ લાગે છે…

મોઈઝ હિરાણી…

ઝાંઝવાના જળ છોડ, તને હું ઝરણું આપું,
તું રામનું બાણ થા , સોનેરી હરણું આપું….

માંગવાની આ કઈ રીત,મન મૂકીને માંગ,
જ્યાં-ત્યાંથી નહિ લે, લે હાથ તરણું આપું…

વેઢાથી નખ વેગળા ને અલગજ રે’વાના,
એકજ પંગતમાં ન બેસ,લે પાથરણું આપું…

ગાઢ અંધારું તો થયું હવે ક્યાં ભટકવાના,
તું અજવાળું થઇ જો,સપ્ત સંભારણું આપું….

અદબ વાળીને ઉભો’રે, ચિંતન કરીલે મન,
તું અંતરપટ તો ખોલ, તને હું શરણું આપું….

કદી કોઈ પર આ કહર ના તૂટે

કદી કોઈ પર આ કહર ના તૂટે
કદી કોઈનો હમસફર ના તૂટે

સપાટી ઉપર જે હશે, તૂટવાના
થયા જે સપાટીથી પર ,ના તૂટે

ભલે ઘરની તસવીર તૂટી જતી
કદી કોઈ તસવીરનું ઘર ના તૂટે

અસલ પ્રેમપત્રો તો વાંચ્યા નથી
તમારાથી નહીતર કવર ના તૂટે

જે હાથે ધનુષ્યો તૂટી જાય છે
એ હાથે કદી કાચઘર ના તૂટ

ભલે આભ તૂટે જમાના ઉપર
અમારી આ ઢીંગીનો વર ના તૂટે

સ્નેહી પરમાર
પીડા પર્યંત માંથી snehi parmar

આકળવિકળ આંખકાન વરસાદ ભીંજવે Rameshbhai Parekh

આકળવિકળ આંખકાન વરસાદ ભીંજવે
હાલકડોલક ભાનસાન વરસાદ ભીંજવે

ચોમાસું નભ વચ્ચે લથબથ સોળ કળાએ ઉગ્યું રે વરસાદ ભીંજવે
અજવાળું ઝોકાર લોહીની પાંગત સુધી પૂગ્યું રે વરસાદ ભીંજવે

નહીં છાલક, નહીં છાંટા રે વરસાદ ભીંજવે
દરિયા ઉભા ફાટ્યા રે વરસાદ ભીંજવે

ઘરમાંથી તોતિંગ ઓરડા ફાળ મારતા છૂટ્યા રે વરસાદ ભીંજવે
ધૂળ લવકતા રસ્તા ખળખળ વળાંક ખાતા ખૂટ્યા રે વરસાદ ભીંજવે

પગના અંતરિયાળપણાને ફળિયામાં ધક્કેલો રે વરસાદ ભીંજવે
નેવાં નીચે ભડભડ બળતો જીવ પલળવા મેલો રે વરસાદ ભીંજવે

બંધ હોઠમાં સોળ વરસની કન્યા આળસ મરડે રે વરસાદ ભીંજવે
લીલોધમ્મર નાગ જીવને અનરાધારે કરડે રે વરસાદ ભીંજવે

અહીં આપણે બે અને વરસાદ ભીંજવે
મને ભીંજવે તું તને વરસાદ ભીંજવે

થરથર ભીંજે આંખકાન, વરસાદ ભીંજવે,
કોને કોનાં ભાનસાન, વરસાદ ભીંજવે.

-રમેશ પારેખ

લાગ્યો કસુંબીનો રંગ – Zaverchand Meghani

લાગ્યો કસુંબીનો રંગ -
રાજ , મને લાગ્યો કસુંબીનો રંગ !

જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા
પીધો કસુંબીનો રંગ;
ધોળાં ધાવણ કેરી ધારાએ ધારાએ
પામ્યો કસુંબીનો રંગ. – રાજo

બહેનીના કંઠે નીતરતાં હાલરડાંમાં
ઘોળ્યો કસુંબીનો રંગ;
ભીષણ રાત્રિ કેરા પહાડોની ત્રાડોએ
ચોળ્યો કસુંબીનો રંગ. – રાજo

દુનિયાના વીરોનાં લીલા બલિદાનોમાં
ભભક્યો કસુંબીનો રંગ;
સાગરને પારે સ્વાધીનતાની કબરોમાં
મહેક્યો કસુંબીનો રંગ. – રાજo

ભક્તોના તંબૂરથી ટપકેલો મસ્તીભર
ચાખ્યો કસુંબીનો રંગ;
વહાલી દિલદારાના પગની મેંદી પરથી
ચૂમ્યો કસુંબીનો રંગ. – રાજo

નવલી દુનિયા કેરાં સ્વપ્નોમાં કવિઓએ
ગાયો કસુંબીનો રંગ;
મુક્તિને ક્યારે નિજ રક્તો રેડણહારે
પાયો કસુંબીનો રંગ. – રાજo

પીડિતની આંસુડાધારે-હાહાકારે
રેલ્યો કસુંબીનો રંગ;
શહીદોના ધગધગતા નિઃશ્વાસે નિઃશ્વાસે
સળગ્યો કસુંબીનો રંગ. – રાજo

ધરતીનાં ભૂખ્યાં કંગાલોને ગાલે
છલકાયો કસુંબીનો રંગ;
બિસ્મિલ બેટાઓની માતાને ભાલે
મલકાયો કસુંબીનો રંગ. – રાજo

ઘોળી ઘોળી પ્યાલા ભરિયા : રંગીલાં હો !
પીજો કસુંબીનો રંગ;
દોરંગા દેખીને ડરિયાં : ટેકીલાં હો !
લેજો કસુંબીનો રંગ ! – રાજo

રાજ , મને લાગ્યો કસુંબીનો રંગ -
લાગ્યો કસુંબીનો રંગ.

- ઝવેરચંદ કાળીદાસ મેઘાણી

મારામાં ઝાડ હજી જાગે! – મુકેશ કાનાણી ‘નાકામ’

અધખુલી બારી ઉપર ચકલી બેઠી,
બારણાંને આવું કાં લાગે?
મારામાં ઝાડ હજી જાગે!.

કીડિ ઘસાય જરી ખરબચડી છાલે,
ફટ્ટ પૂછે વર,વાગ્યું નથીને ગાલે.
ઝાડ આખુ જુમે ખરે બધા પાન હેઠા,
ચકાની પાંખથી પિંછૂ ખરે મનાવે શોક બેઠા બેઠા.
બારસાખે અભરખાના બંધાય તોરણ,
આજે સુના અવસર કાં લાગે.
મારામાં ઝાડ હજી જાગે!.
બારણાંને આવું કાં લાગે?.
થાય જરી ડાળીની સુક્કી લાગણીઓ,
હોલો ચારેક સળેકડાં હળવે હાથે ભાંગે.
લટકેલી વાગોળે જૂલતો પવન,
એતો ઓળંગે ટેકરી ફલાંગે.
થઇ સુંવાળી છાતીને ટંકાયા મોર.
તોય,કુહાડીના ઘા હજી વાગે.
બારણાંને આવું કાં લાગે!
મારામાં ઝાડ હજી જાગે.

- મુકેશ કાનાણી ‘નાકામ’

છોકરી આખુય ગામ રાખે ગજવામાં – મુકેશ કાનાણી ‘નાકામ’

વાળ ઊડે રે ઊડે હવામાં
છોકરી આખુય ગામ રાખે ગજવામાં.

હથેળીમાં ચીતરે જો મોર,
એના રૂવે રૂવે ફૂટે રૂમાલ.
લેવા જો જાય તો ગામ ગધેડે ગવાય,
પાધરે પેઠી વણનોતરી ધમાલ
હોડ ચાલે છે બજારે ફરવામાં.
છોકરી આખુય ગામ રાખે ગજવામાં.

આપમેળે ઉઘડે દશે દરવાજા,
જો નેવાની બ્હાર મુકે પગ.
કેમ છો? કેવા સભા ભરાય,
બેડા ઉતરામણની થાય લાગવગ.
કમખાની કસ ઢીલી ભાળે તો
પકડવા દોડે આખુય ગામ હવામાં.
છોકરી આખુય ગામ રાખે ગજવામાં.

આઠેય અંગ એના ઉઘડયા એવા કે,
ફૂલો યે ખોલી નવી ભાત.
છોરા ગાલમા,બુઢા ટાલમાં,
વય એવી વાત,બાકી ન કોઇ નાત.
ઘરે આટા ફાંકવાના ફાંફા પડે.
ધ્યાન દરપણે ઘર બાંધવામાં.
છોકરી આખુય ગામ રાખે ગજવામાં.

ઉત્તર દખ્ખણથી વાય વાયરા,
દિશાઓમાં ચડ્યા નવા તોર.
ચુંદડીએ ફૂટ્યા પતંગિયાના ટોળા,
જોવા ઉમટ્યું આખુ આભ ઘર મોર.
ઊંડે ઊંડેથી ઊભરાયા વીરડા.
તરસ્યું ગામની નજર પાણી ભરવામાં.
છોકરી આખુંય ગામ રાખે ગજવામાં.
વાળ ઉડે રે ઉડે હવામાં.

- મુકેશ કાનાણી ‘નાકામ’