દિલને દરબાર – દિલીપ આર. પટેલ

શ્રીહરિ  સુખકારી પધારો આજ  દિલને દરબાર

હૈયે ના હાજર તો જાણે  ભરખે  ભોરિંગ  ભેંકાર

જગ જંજાળે ના ગમે જીવવું અને ભૂલું ધબકાર

એવો પજવે સૂનકાર કે લાગે મારે ના ઘરબાર

                                                     

ઓરડે ને ખોરડે સજ્યો છે સદગુણનો શણગાર

દરકારની દિવાલે જોડ્યા  મેં  ઓરડા  ચચ્ચાર

નિયમ ને નેહની નાડીએ વહે મહિમા મઝધાર

સચ્ચાઈ સાદાઈ સભર અંતર  આપે  આવકાર

                                                    

પહેલે તે ઓરડે વ્હાલા! ધર્મ ધાર્યો છે ધારદાર

રહેવા ન પામતો કપટ ને કુકર્મ કેરો  અંધકાર

ખૂણે ખાંચરે સઘળે પાથર્યો  સ્નેહ  ને સદાચાર

સંસ્કારના સુમને  કરવા આતુર  તારો  સત્કાર

                                                     

બીજે તે  ઓરડે માંડ્યો જ્ઞાન  પરબ પારાવાર

ચતુરાઈની ચાવીએ ખુલ્લો  અહંકારી કારાગાર

માનું સર્વકર્તા તમો સદા સર્વોપરી  ને સાકાર

પ્રગટ પ્રભુ પધારો કરગરી કરું  પ્રેમથી પોકાર

                                                     

ત્રીજે તે ઓરડે વેર્યો વૈરાગ્ય  નર્યો  નિર્વિકાર

માધવહીન તે માનું માયા  મિથ્યા ને મરનાર

વિલસે ના વાસના કે વ્યસન  વિષયી વિચાર

વરસો વેરાને વ્હાલા તમે જ છો મારો આધાર

                                                   

ચોથે તે ઓરડે ભરી ભક્તિ ભાવના  ભારોભાર

કાળના કુરુક્ષેત્રે મારે નહીં રે  જીવવું મારોમાર

ભવાટવીએ ના ભૂલું  ચાલે  તારો જ કારોબાર

પ્રભુપ્રેમે હું વેચાણ ચાહું હરિવર તને બારોબાર

                                                    

શ્રીહરિ  સુખકારી પધારો આજ  દિલને દરબાર

હૈયે ના હાજર તો જાણે  ભરખે  ભોરિંગ  ભેંકાર

નિયમ ને નેહની નાડીએ વહે મહિમા મઝધાર

સચ્ચાઈ સાદાઈ સભર અંતર  આપે  આવકાર

                                                    

દિલીપ આર. પટેલ

ઓરેંજ, કેલિફોર્નીયા

                                                     

2 Comments

Leave a comment